સચિવો સહિતના હાઈપાવર ડેલીગેશનની સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક, સમગ્ર જીલ્લાની સ્થિતિ અંગે માહિતી લેવાઈ
કોરોનાનું સૌરાષ્ટ્રનું એપી સેન્ટર બનવા જઈ રહેલા જામનગરની પરિસ્થિતિ સુધારવા તંત્રની કવાયત
જામનગરમાં કોરોનાના વધતા જતા કેસને લઈને તંત્ર ચિંતિત બન્યું છે. દિન પ્રતિદિન કેસની સંખ્યા વધી રહી છે. જેને પગલે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી બન્ને સચિવો સાથેના હાઇપાવર ડેલીગેશન સાથે આજે જામનગર પહોંચ્યા છે. જ્યાં તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર જિલ્લાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વ્યૂહ રચના ઘડી હતી.
જામનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દરરોજ વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે. અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના ૯૫૫થી વધુ કેસો નોંધાઇ ચુક્યા છે. ૬૦ દર્દીના ભોગ પણ લેવાયા છે. જેને પગલે તંત્ર ચિંતામાં ગરક થઈ ગયું છે. જામનગરની પરિસ્થિતિ કાબુ બહાર જતા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જામનગર દોડી ગયા છે. ત્યાં તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે તેમના સચિવોનું હાઇપાવર ડેલીગેશન પણ જોડાયું છે. તમામે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠકમાં જિલ્લાને કોરોનામાંથી ઉગારવાની વ્યૂહરચના પણ ઘડી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક બાદ મુખ્યમંત્રી તેમના હાઈપાવર ડેલીગેશનની સાથે હોસ્પિટલની મુલાકાત લ્યે તેવી પણ શકયતા જોવા મળી રહી છે.
બ્યુરોક્રેટ પોતાની જવાબદારીથી ભાગતા અંતે મુખ્યમંત્રીને દોડવું પડ્યું
બ્યુરોક્રેટ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગતો હોય તેવો ઘાટ ઘડાયો છે. જેને પગલે હવે મુખ્યમંત્રી દોડી રહ્યાં છે. ગઈકાલે રાજકોટ આવેલા આરોગ્ય સચિવ જયંતી રવિએ જાણે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે જાણી જોઈને આંખ આડા કાન કરી લીધા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૧૦૦ મૃતદેહના કોવિડ ટેસ્ટ વિના પોસ્ટમોર્ટમ કરી આઈસીએમઆરની ગાઈડ લાઈનને તંત્ર ઘોળીને પી ગયું છે. આ મામલે આરોગ્ય સચિવને પ્રશ્ર્નો પુછવામાં આવતા તેઓએ જવાબ આપવાને
બદલે ચાલતી પકડી લીધી હતી. આમ જયંતી રવિના આવા વર્તનથી અનેક શંકા-કુશંકાઓ ઉપજી છે. સચિવ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ અધિકારી વર્ગ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ થતાં હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દોડાદોડી કરવાની નોબત આવી છે.