કોરોના સંક્રમિતનાં કુલ કેસ ૫૦૦ને પાર: અત્યાર સુધી ૭૦૦૦થી વધુ સેમ્પલનાં ટેસ્ટીંગ કરાયા
રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે સાંજનાં પ:૦૦ વાગ્યાથી આજરોજ બપોરનાં ૧૨:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૨૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે કોરોના વાયરસે વધુ પાંચ વ્યકિતઓનાં ભોગ લીધા છે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધી ૭૦૦૦થી વધુ કોરોના સેમ્પલનાં ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે જેમાંથી શહેરમાં અત્યાર સુધી ૫૨૮ પોઝીટીવ કેસ નોંધાયા છે અને હાલ ૨૪૭ કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
બહારગામથી અવર-જવરની પ્રક્રિયા શરૂ થયા બાદ અમદાવાદ, બરોડા, સુરતથી લોકો શહેરમાં વધુને વધુ પ્રવેશી રહ્યા છે ત્યારે કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પણ ઝેડ સ્પીડમાં વધી રહી છે. કોરોનામાં ગઈકાલે સાંજનાં ૫:૦૦ વાગ્યાથી આજરોજ બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં આરોગ્ય તંત્ર દ્વારા સતાવાર વધુ ૨૬ પોઝીટીવ કેસ જાહેર કર્યા છે. જયારે બે દર્દીઓનાં મોત નિપજયાનું પણ જાહેર કર્યું છે પરંતુ મળતી માહિતી મુજબ આજરોજ બપોર સુધીમાં કુલ ૫ દર્દીઓનાં મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલ રાતથી અત્યાર સુધી વધુ ૫ દર્દીઓનાં વાયરસે ભોગ લીધા હતા જેમાં મયુર પાર્કમાં રહેતા જયતાભાઈ દેવદાનભાઈ હુંબલ (ઉ.વ.૭૦), પરાપીપળીયા હાઉસીંગ બોર્ડમાં રહેતા જયાબેન મનસુખભાઈ ચૌહાણ (ઉ.વ.૬૩), એસઆરપી કેમ્પ પાસે ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા નિરજભાઈ દિલીપભાઈ શાહ (ઉ.વ.૩૪), શિતલ પાર્કમાં રહેતા નટુભાઈ બચુભાઈ રાઠોડ (ઉ.વ.૬૮) અને રૈયા રોડ પર રૂક્ષ્મણી પાર્કમાં રહેતા અરૂણાબેન જીતેન્દ્રભાઈ રાવલ (ઉ.વ.૪૮) આજરોજ કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત નિપજયાનું જાણવા મળ્યું છે.
શહેરમાં આજરોજ નોંધાયેલા વધુ ૨૬ પોઝીટીવ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૫૨૮ સુધી પહોંચી છે. અત્યારસુધી શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલનાં કોવિડ બિલ્ડીંગ અને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ ૨૪૭ જેટલા પોઝીટીવ દર્દીઓ હાલ આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્યતંત્ર દ્વારા અત્યાર સુધી ૭૦૦૦થી પણ વધુ કોરોના ટેસ્ટીંગ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાની વધતી જતી મહામારીને કારણે આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. થોડા દિવસો પહેલા જ રાજયનાં આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ રાજકોટ આવ્યા બાદ રેપીડ ટેસ્ટ કીટની ફાળવણી કરીને રાજકોટમાં ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપથી બનાવવાની જાહેરાત કરી હતી. જયારે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીએમએસએસવાય કોવિડ બિલ્ડીંગ કોરોના દર્દીઓ માટે વધુને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરી રહ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં આવેલા અન્ય વોર્ડને પણ જરૂર પડે કલેકટરને જાણ કરી કોરોનાનાં દર્દીઓની સારવાર માટે સુવિધા ઉભી કરવાની પણ માહિતી મળી રહી છે.
કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની યાદી
આજરોજ સરદાર પટેલ પાર્ક શેરી નં.૨માં રહેતા મુંગરા કિશન અરવિંદભાઈ (ઉ.વ.૨૪), ગાયત્રીધામમાં રહેતા પ્રિતેશભાઈ રમેશભાઈ બારૈયા (ઉ.વ.૩૭), રંજનબેન ભુપતભાઈ ઝાલાવાડિયા (ઉ.વ.૪૯), ગુલાબવિહાર સોસાયટીમાં રહેતા ભુપતભાઈ ઝાલાવાડિયા (ઉ.વ.૪૯), હરિદ્વાર હાઈટસમાં રહેતા પોપટભાઈ ઝાલાવાડિયા (ઉ.વ.૬૯), અંજલી એપાર્ટમેન્ટ, બ્લોક નં.૨૦૧માં રહેતા જીજ્ઞેશ પ્રતાપરાય રાણપુરા (ઉ.વ.૪૮), સદર બજાર મેઈન રોડ પર રહેતા નિતીન મનસુખલાલ અનડકટ (ઉ.વ.૫૮), સુભાષનગર સોસાયટીમાં રહેતા શારદાબેન પ્રેમજીભાઈ કોરાટ (ઉ.વ.૪૬), ૮-ન્યુ સાગર સોસાયટીમાં રહેતા રામભાઈ જયતાભાઈ હેરભા (ઉ.વ.૬૪), કોષા ચંદ્રેશભાઈ કકકડ (ઉ.વ.૨૫), ચંદ્રેશભાઈ હરજીવનભાઈ કકકડ (ઉ.વ.૬૩), કરણપરામાં રહેતા પ્રીતીબેન ચંદ્રેશભાઈ કકડ (ઉ.વ.૬૪), વસંત માર્કેટ, યુનિવર્સિટી રોડ પર રહેતા રમેશભાઈ વશરામભાઈ (ઉ.વ.૫૬), જલારામ-૨માં રહેતા જય અતુલભાઈ મોદી (ઉ.વ.૪૩), શ્રદ્ધા પાર્કમાં રહેતા હેમાંગી ભીખાભાઈ સાકરીયા (ઉ.વ.૨૩), અનંતાનગરમાં રહેતા ગણેશભાઈ વી.ઉપાધ્યાય (ઉ.વ.૫૯), લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા પ્રવિણભાઈ ભાઈલાલભાઈ ઘડુસીયા (ઉ.વ.૪૬), ગર્વમેન્ટ વસાહતમાં રહેતા કરશનભાઈ હમીરભાઈ વાજા (ઉ.વ.૫૮), અયપ્પા મંદિર શેરી નં.૧૦માં રહેતા ગીતાબેન લાખાણી (ઉ.વ.૩૦), વિજય પ્લોટ-૧૬માં રહેતા વિશ્ર્વકર્મા શંકરભાઈ પ્રેમજીભાઈ (ઉ.વ.૨૨), લોર્ડ ક્રિષ્ના સોસાયટી શેરી નં.૨માં રહેતા વિશાલભાઈ સુધેશભાઈ રાજાણી (ઉ.વ.૩૦), ગોકુલધામ સોસાયટીમાં રહેતા કેશુભા જેઠવા (ઉ.વ.૫૬), અંજલી એપાર્ટમેન્ટ પુજારા પ્લોટમાં રહેતા પ્રતાપરાય રાણપુરા (ઉ.વ.૭૯), આલાપ ગ્રીન સીટીમાં રહેતા મોણપરા દ્રષ્ટિ મનસુખભાઈ (ઉ.વ.૨૮), ઢેબર રોડ પર રહેતા અફઝલ રફીક બાવનકા (ઉ.વ.૨૨), સર્વોદય સોસાયટીમાં રહેતા અનિલભાઈ ખોડા (ઉ.વ.૨૯)વાળાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.