કોરોનાની ત્રીજી લહેરની વાતો થાય છે ત્યારે ગુજરાતમાંથી કોરોનાના સંપૂર્ણપણે વળતા પાણી થઈ ગયા હોય તેમ વિકવરી રેટમાં વિક્રમજનક વધારો નોંધાયો છે. દૈનિક કેસનો આંકડો સાવ નીચો રહેવા પામ્યો છે. ગઈકાલે નવા કેસની સંખ્યા 1333 નોંધાતા કુલ આંક 812063એ પહોંચ્યો હતો ત્યારે મૃત્યુઆંક 18ની સામે એક દિવસના રિકવરી રેટમાં 4100 દર્દીઓ સાજા થઈ ઘેર ગયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ગઈકાલે 4098 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી કોરોનાને મહાત આપી સાજા થયેલ દર્દીનો આંકડો 7,75,858એ પહોંચ્યો હતો. મૃત્યુઆંક 9873 સુધી જ સીમીત રહ્યો છે.
રાજ્યમાં કોરોનાના રિકવરી રેટ 95.55 ટકા સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા 26,232 છે જ્યારે 452 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 232, વડોદરામાં 252, સુરતમાં 177, રાજકોટમાં 116, જૂનાગઢમાં 80, જામનગરમાં 48, વલસાડમાં 30, અમરેલી-કચ્છમાં 29 અને ભાવનગરમાં 28 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં 1,72,901 નાગરિકોને કોવિડ-19ની રસી બુધવારે આપવામાં આવી હતી. રસીકરણનો આંક 1,74,64, 314એ પહોંચ્યો છે. રસી લેનાર 18 થી 44 વર્ષના નાગરિકોની સંખ્યા એક દિવસમાં 1,05,429 થવા પામ્યો છે. ગુજરાતમાંથી કોરોનાએ ઉચાળા ભરી લીધા હોય તેવો માહોલ ઉભો થયો છે.