મેડિકલ કોલેજમાં ડીન ડો. રાઠોડ સહિત બે તબીબ પણ ઝપટે ચડયા
જુનાગઢ શહેર તથા જિલ્લો હવે કોરોનાનું હોટ સ્પોટ બનવા તરફ જઇ રહ્યું હોય તેમ દિવસેને દિવસે જૂનાગઢ શહેરના લોકો કોરોના સંક્રમણને કારણે કોરોના ગ્રસ્ત થઈ રહ્યા છે, અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢને આંચકા રૂપ દુ:ખદ સમાચાર એ મળી રહ્યા છે કે, જૂનાગઢના સિનિયર ધારા શાસ્ત્રી અને સૌરાષ્ટ્ર કરછ બ્રહ્મ સમાજના અગ્રણી તથા પૂર્વ પાલિકા પ્રમુખ અને મનપાના કોર્પોરેટર આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોશીનો કોરોના એ ભોગ લીધો છે, આ સિવાય ગઈકાલ જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડો, રાઠોડ પણ કોરોના ગ્રસ્ત થયા છે અને તેમના પરિવારના અન્ય ૩ સભ્યો પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તો હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ પણ કોરોના ની ઝપેટમાં આવી ગયા છે.
ગઇકાલે જૂનાગઢના જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતા દ્વારા અપાયેલા અધિકૃત આંકડા મુજબ જૂનાગઢ શહેરના ૧૯, જૂનાગઢ ગ્રામ્યમાં ૩, માંગરોળના ૧, તથા વિસાવદરના ૫ લોકોના સેમ્પલ કોરોના ગ્રસ્ત જાહેર થતાં જૂનાગઢ શહેરના ૧૯ અને જિલ્લાના મળી કુલ ૨૮ કેશો આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના પોઝિટિવ સામે આવ્યા છે, તો કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત થતાં જિલ્લાનો ગઇકાલે સુધીનો મૃત્યુ આંક ૨૪ ઉપર પહોંચવા પામ્યો અને આજે અન્ય મૃત્યુ નોંધાતા આજ સુધીનો મૃત્યુ આંક ૨૫ પર પહોંચી ગયો છે.