કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે અમદાવાદ વિભાગના 13 મોટા રેલવે સ્ટેશને પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર 30 રૂપિયા વસુલવામાં આવનાર છે. બિનજરૂરી અવર-જવર અને ભાડભીડ અટકાવવા માટે આ નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે. અન્ય નાના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂપિયા 10 યથાવત રાખવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટના દર રૂ. 30 કરવામાં આવ્યા છે.
મંડળ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવા ડિવિજન દ્વારા લીધેલા નિર્ણય મુજબ આજથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઊંઝા , સિદ્ધપુર, સાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (જેલ તરફ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.30 રહેશે. આ સિવાય બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રેટ રૂ.10 રહેશે. આ માટે ટિકિટ વિંડો પર સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. મુસાફરોને વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા અનુરોધ કરવામાં આવે છે.