Table of Contents

ધો.૧૦નું ૬૦.૬૪ ટકા પરિણામ

અંગ્રેજી માધ્યમનું ૮૬.૭૫ ટકા, ગુજરાતી માધ્યમનું ૫૭.૫૪ ટકા અને હિન્દી માધ્યમનું ૬૩.૯૪ ટકા પરિણામ

સૌથી વધુ સુરત જિલ્લામાં ૭૪.૬૬ ટકા અને સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું ૪૭.૪૭ ટકા પરિણામ

એ-વન ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યા ૧૬૭૧: ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૮૩૯

વિદ્યાર્થિનીઓએ ૬૬.૦૨ ટકા સાથે બાજી મારી: વિદ્યાર્થીઓનું ૫૬.૫૩ ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૮:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાની અસર ધો.૧૦નાં પરિણામમાં પણ દેખાય હોય તેવું લાગી રહ્યું છે. ખાસ તો આ વર્ષે રાજયનું પરિણામ ૬.૩૩ ટકા ઘટીને ૬૦.૬૪ ટકા પરિણામ આવ્યું છે અને એ-વન ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષ કરતા ૬ ટકાથી પણ ઓછું પરિણામ આવ્યું હોય તેનું મુખ્ય કારણ પેપર ચેકિંગમાં ઉતાવળ અને ઈવોલ્યુશન સિસ્ટમ ડિસ્ટર્બ થઈ હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને કારણે રાજયનાં તમામ જિલ્લામાં પેપરો ચેક કરવા માટે ૧૦ થી ૧૫ દિવસ મોડા પહોંચ્યા હતા જેને લઈને આ વર્ષે શિક્ષકોએ ધડાધડ પેપર ચેક કર્યા હોય અને વેરાવળ પાસે ધો.૧૦નાં વિદ્યાર્થીઓની ૧૦૦૦ જેટલી આન્સર સીટ છુટી મળી હતી. આવા અનેક વિવાદોથી આ વર્ષે કહી શકાય કે ધો.૧૦નું પરિણામ છેલ્લા પાંચ વર્ષની તુલનાએ ખુબ જ નીચું આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધો.૧૦નું પરિણામ ૬૦.૬૪ ટકા જાહેર થયું છે. માર્ચ-૨૦૨૦માં લેવાયેલી પરીક્ષામાં ૭.૯૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪.૮૦ લાખ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા છે. સૌથી વધુ સુરત જિલ્લાનું ૭૪.૬૬ ટકા પરિણામ આવ્યું છે ત્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું ૪૭.૪૭ ટકા પરિણામ આવ્યું છે.

આ વર્ષે રાજયની ૨૯૧ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે જે ગત વર્ષની તુલનામાં ખુબ જ ઓછું છે. જયારે ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષ કરતા વધીને ૧૮૩૯ પર પહોંચી છે. આ ઉપરાંત ૦ ટકા પરીણામ ધરાવતી શાળામાં પણ વધારો થયો છે અને ૧૭૪ શાળાઓએ ૦ ટકાથી ઓછું પરિણામ મેળવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આ વર્ષે વિદ્યાર્થીનીઓનું ૬૬.૦૨ ટકા ઉચું પરિણામ મેળવી વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૫૬.૫૩ ટકા જેટલું જ આવ્યું છે. ચાલુ વર્ષે માર્ચ-૨૦૨૦માં કુલ ૭,૯૨,૯૪૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ૪,૮૦,૮૪૫ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા નિયમિત ઉમેદવારોનું પરીણામ ૬૦.૬૪ ટકા જાહેર કરાયું છે. જયારે રીપીટર ઉમેદવાર તરીકે ૨,૨૦,૯૩૧ ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ૨,૧૨,૩૩૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી ૧૯,૩૧૩ ઉમેદવારો સફળ થતા તેઓનું પરીણામ ૯.૧૦ ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલા કુલ ૧૯,૫૩૦ ઉમેદવારો પૈકી ૧૭,૧૭૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી ૧૦૫૧ ઉમેદવારો પ્રમાણપત્રને પાત્ર બન્યા છે અને તેઓનું પરીણામ ૬.૧૨ ટકા આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે એ-વન ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યા ૧૦૭૧ એટલે કે ગત વર્ષની તુલનાએ એ-વન ગ્રેડ છાત્રોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. એ-ટુ ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યા ૨૩,૪૫૪, બી-વન ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યા ૫૮,૧૨૮ બી-ટુ ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યા ૧,૦૫,૯૭૧, સી-વન ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યા ૧,૫૯,૧૦૮, સી-ટુ ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યા ૧,૧૮, ૨૩૦ અને ડી ગ્રેડ ધરાવતા છાત્રોની સંખ્યા, ૧૩,૯૭૭ નોંધાઈ છે.

૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૧૭૪

રાજયનાં શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજયમાં ૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૧૭૪ નોંધાઈ છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૦ ટકા પરિણામ ધરાવતી શાળામાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે ૬૩ જેટલી શાળાઓનું પરિણામ ૦ ટકા આવ્યું હતું. જયારે આ વર્ષે વધીને શાળાઓની સંખ્યા ૧૭૪ પર પહોંચી છે.

ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ ૬.૩૩ ટકા નીચું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આજે સવારે ૮:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામ ૬.૩૩ ટકા જેટલું નીચુ આવ્યું છે. ધો.૧૦નું ૬૬.૯૭ ટકા પરિણામ આવ્યું હતું. જયારે આ વખતે ઘટીને તે ૬૦.૬૪ ટકા જેટલું થયું છે. છેલ્લા પાંચ વર્ષનું ધો.૧૦નું સૌથી નીચું પરીણામ નોંધાયું છે. ખાસ તો આ વર્ષે ધો.૧૦ની પરીક્ષા પૂર્ણ થયાને તરત જ કોરોનાની મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હોય પેપર ચેક પણ મોડા થયા હોવાનું સામે આવ્યું છે જેથી શિક્ષકો દ્વારા ધડાધડ માર્કસ મુકી દેવાયા છે તેમજ ગાંધીનગરથી જુદા-જુદા જિલ્લામાં ઉતરવહી તપાસણી માટે ઉતરવહી મોકલવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રનાં વેરાવળ પાસે ૧૦૦૦ જેટલી ઉતરવહી ઉડતી જોવા મળી હતી. આવા અનેક વિવાદથી પરિણામ નીચું આવ્યું હોવાની આશંકા સેવાઈ છે.

૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૨૯૧

રાજયનાં શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે ૮:૦૦ વાગ્યે ધો.૧૦નું ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે છેલ્લા પાંચ વર્ષનું ઓછું સૌથી ઓછું પરિણામ છે જોકે આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે રાજયમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૩૬૬ જેટલી હતી તે આ વર્ષે ઘટીને ૨૯૧ પર પહોંચી છે.

સૌરાષ્ટ્રનું ધો.૧૦નું ૫૮.૪૫ ટકા પરિણામ

સૌરાષ્ટ્રમાં ૬૪.૬૨ ટકા સાથે મોરબી જિલ્લો મોખરે: ૬૪.૦૮ ટકા સાથે રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે અને રાજયમાં ૮માં ક્રમે આવતા વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં હરખની હેલી: રાજકોટ જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૨૩: સૌરાષ્ટ્રમાં ૫૩.૩૦ ટકા સાથે અમરેલી જિલ્લાનું સૌથી નીચું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦ની ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આજે ૬૦.૬૪ ટકા જાહેર થયું છે જેમાં સૌરાષ્ટ્રનું ૫૮.૧૯ ટકા પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ મોરબી જિલ્લાનું સૌથી વધુ ૬૪.૬૨ ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછું પરિણામ અમરેલી જિલ્લાનું ૫૩.૩૦ ટકા નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં ૪૨,૮૮૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૨,૬૧૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને રાજકોટ જિલ્લાનું ૬૪.૦૮ ટકા પરિણામ આવ્યું છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો બીજા ક્રમે અને રાજયમાં ૮માં ક્રમે આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં હરખની હેલી જોવા મળી છે. આ વર્ષે કોરોનાની મહામારીનાં કારણે વિદ્યાર્થીઓેને પરિણામ ઓનલાઈન જ જોવું પડયું હતું. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કોઈપણ સ્કુલવાળા વિદ્યાર્થીઓને સ્કુલે બોલાવવામાં આવ્યા ન હતા. હવે માર્કશીટ વિતરણની તારીખ આગામી થોડા દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.

એકંદરે વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાનું ૫૩.૩૦ ટકા, ભાવનગરનું ૫૬.૧૭ ટકા, બોટાદનું ૫૭.૩૧ ટકા, દ્વારકાનું ૬૩.૯૫ ટકા, ગીર સોમનાથનું ૫૪.૨૫ ટકા, જામનગરનું ૫૭.૮૨ ટકા, જુનાગઢનું ૫૩.૭૫ ટકા, મોરબીનું ૬૪.૬૨ ટકા, પોરબંદરનું ૫૯.૬૨ ટકા, રાજકોટનું ૬૪.૦૮ ટકા અને સુરેન્દ્રનગરનું ૫૮.૧૯ ટકા પરિણામ નોંધાયું છે. આ ઉપરાંત એ-વન ગ્રેડ ધરાવનારા વિદ્યાર્થીઓની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં એ-વન ગ્રેડ ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ૨૩૧ નોંધાઈ છે જયારે અમરેલીમાં ૧૮, ભાવનગરમાં ૧૧૫, બોટાદમાં ૧૪, દ્વારકામાં ૨, ગીર સોમનાથમાં ૨૦, જામનગરમાં ૫૭, જુનાગઢમાં ૫૪, મોરબીમાં ૩૦, પોરબંદરમાં ૨ અને સુરેન્દ્રનગરમાં ૩૦ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.

Untitled 1 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.