ગભરાશો નહીં આગમચેતી જરૂરી
છેલ્લા ચાર દિવસથી કોરોનાનો સતત વધતો કહેર : 12,591 નવા કેસ સાથે સક્રિય કેસ 65 હજારને પાર
દેશમાં છેલ્લા અઠવાડિયાથી એટલે કે 14 એપ્રિલથી ઘટી રહેલા કોરોના કેસ બુધવારે સતત બીજા દિવસે ફરી વધ્યાના અહેવાલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 12 હજાર 591 નવા કેસ નોંધાયા છે, જ્યારે 40 લોકોના મોત થયા છે. આ વર્ષે કોરોનાના કેસ અને મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે. તે જ સમયે સક્રિય કેસોનો આંકડો વધીને 65 હજાર 286 થઈ ગયો છે. મંગળવારે સક્રિય કેસ 63 હજાર 562 હતા.
13 એપ્રિલે સૌથી વધુ 11 હજાર 109 કેસ નોંધાયા હતા. આ પછી સતત ચાર દિવસ સુધી કેસોમાં ઘટાડો થયો હતો. 14 એપ્રિલે 10,753, 15 એપ્રિલે 10,093, 16 એપ્રિલે 9,111 અને 17 એપ્રિલે 7,633 કેસ નોંધાયા હતા અને 18 એપ્રિલે 10,542 કોરોના કેસ મળી આવ્યા હતા. 19 એપ્રિલે કોરોના કેસમાં 2 હજારનો વધારો થયો છે.
ટોપ-5 રાજ્યોમાં 63% થી વધુ નવા કેસ સામે આવ્યા છે જેમાં કેરળ મોખરે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 12,591 નવા દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી 7,993 કેસ માત્ર 5 રાજ્યોમાં જોવા મળ્યા હતા. આ કુલ આંકડાના 63% કરતા વધુ છે.
કેરળમાં 3,117 નવા કેસ મળ્યા છે જયારે 3,387 લોકો સાજા થયા છે. સામે 13 લોકોના મોત નીપજતા ચિંતા વધી છે. હાલમાં કેરળમાં 19,398 સક્રિય કેસ છે. દિલ્હીમાં બુધવારે 1,767 નવા કેસ સામે આવ્યા છે. સકારાત્મકતા દર વધીને 28.63% થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે.
હરિયાણામાં ગયા દિવસે 1,102 નવા કેસ નોંધાયા હતા અને 767 લોકો સાજા થયા હતા. રાજ્યમાં હાલમાં 4,891 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં બુધવારે 1,100 નવા કેસ જોવા મળ્યા અને 1112 લોકો સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 6,102 સક્રિય કેસ છે. ઉત્તર પ્રદેશમાં અહીં 907 નવા કેસ સામે આવ્યા છે. અહીં એક્ટિવ કેસ 4298 થઈ ગયા છે. તે જ સમયે, 613 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમિત!!
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત થયા છે. અહેવાલ અનુસાર તેઓ ગુરુવારે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા, પરંતુ કોરોના પોઝિટિવ હોવાના કારણે હાજરી આપી ન હતી. તેમને હળવા લક્ષણો છે અને તેઓ ક્વોરેન્ટાઈનમાં છે. તબીબોની ટીમે તેની તપાસ કરી અને આરામ કરવાની સલાહ આપી છે.
રાજ્યમાં કોરોનાના નવા 331 કેસ : મૃત્યુઆંક શૂન્ય હોવાથી હાશકારો
રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કોરોનાના કેસ 300ની આસપાસ આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 331 કેસ નોંધાયા છે. જેની સામે 380 દર્દીઓ સાજા થયા છે અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2042 એક્ટિવ કેસ છે. જેમાંથી છ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2036 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,75,338 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.