- યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિત ડિરેક્ટરો પણ ઉતરાઇની વ્યવસ્થામાં લાગી ગયા
બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ચણા, ધાણા, જીરૂં અને તુવેરની ચિક્કાર આવક થવા પામી હતી. યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના ડિરેક્ટરો અને સ્ટાફ ઉતરાઇની વ્યવસ્થામાં જોતરાઇ ગયો હતો. એક પછી એક વાહનોને ક્રમશ: યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રના અન્ય યાર્ડોની સરખામણીએ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વધુ ભાવ મળી રહ્યા હોય સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાના માલના વેંચાણ માટે રાજકોટ યાર્ડમાં આવે છે. આજે સવારથી વિવિધ જણસીઓ ભરેલા વાહનોની યાર્ડની બહાર લાંબી કતારો લાગી જવા પામી હતી. ચણાની 17,500 મણ, ધાણાની 19,000 મણ, જીરૂંની 7500 મણ અને તુવેરની 15000 મણ આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ ઉતરાઇની વ્યવસ્થા સંભાળી લીધી હતી. તેઓની સાથે અન્ય ડિરેક્ટરો પણ કામે લાગી ગયા હતા. તમામ જણસીઓને ક્રમશ: યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ઉતરાઇની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાર્ડમાં તુવેરનો ભાવ પ્રતિમણ રૂ.1300થી લઇ રૂ.1492 બોલાઇ રહ્યો છે. જ્યારે ધાણાનો ભાવ રૂ.1130 થી રૂ.1875, જીરૂંનો ભાવ રૂ.3400થી લઇ રૂ.4031 અને ચણાનો ભાવ રૂ.950 થી લઇ રૂ.1080 બોલાઇ રહ્યા છે. દેશી ચણાની સરખામણીએ સફેદ ચણાના ભાવ થોડા ઉંચા છે. સફેદ ચણાનો પ્રતિ 20 કિલો ભાવ રૂ.1170થી રૂ.1750 ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યાર્ડનું ટનઓવર સતત વધી રહ્યું છે. જેનું મુખ્ય કારણએ મનાઇ રહ્યું છે કે સૌરાષ્ટ્રભરના ખેડુતો રાજકોટ યાર્ડ ખાતે પોતાની વિવિધ જણસીના વેંચાણ માટે આવી રહ્યા છે. પૂરતા ભાવો મળી રહ્યા છે. સાથોસાથ તોલાઇમાં પણ પારદર્શકતા જોવા મળી રહી છે.