સ્ટીલ સ્ક્રેપ પરની ડયુટી નાબૂદ થતા ઇન્ફ્રા. પ્રોજેકટને વેગ મળશે
બજેટને આવકારતા જામનગરના વેપાર-ઉદ્યોગો
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા દેશના 2021-22 ના વર્ષ માટેના બજેટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ ને અઢી ટકા સુધીની ડ્યુટી ના ઘટાડાની મોટી રાહત અપાઈ છે. જેથી જામનગરના અનેક નાના-મોટા કારખાનેદારો માટે રાહતના સમાચાર છે, તેમ બ્રાસ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવાયું છે.
જામનગર શહેર ના અન્ય વેપારીઓ તથા અન્ય કરદાતાઓને કોઈ નવું ભારણ નથી અપાયું તેમજ રાહત પણ નથી અપાઈ, જેથી નવું કેન્દ્રીય બજેટ નહિ નફો નહિ નુકશાન વાળું હોવાનું ચેમ્બર પ્રમુખે જણાવ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા વર્ષ 2021- 22 નું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ ને સ્પર્શે એવા મહત્વના પ્રશ્નો માં આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં મેટલ સ્ક્રેપના ભાવમાં તોતિંગ વધારો થયો છે, ત્યારે કોપર સ્ક્રેપ પરની ડ્યુટી પાંચ ટકા હતી, તે ઘટાડીને અડધી કરી નાખી છે. જેથી ડ્યૂટીના અઢી ટકાના ઘટાડાને લઈને જામનગરના નાના-મોટા અનેક કારખાનેદારોને ફાયદો થશે, અને બ્રાસ ઉદ્યોગ ને રિસાઈકલ પ્રોસેસ તેમાં ખાસ કરીને રિસાયકલ ઇન્ડસ્ટ્રીઝ ને ઘણી મોટી રાહત આપી છે. જેથી આવનારા દિવસોમાં બ્રાસ તથા કોપરના ભાવમાં મોટી રાહ જોવા મળશે.
આ ઉપરાંત સ્ટીલ સ્ક્રેપ પરની ડ્યુટી નાબૂદ કરી હોવાથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને વેગ આપવામાં પણ ખુબ જ મદદ મળશે. સાથોસાથ કોટન યાર્ન પર ઈમ્પોર્ટ ડ્યુટી જે હાલમાં ઝીરો ટકા હતી તેને 10 ટકા કરતાં સૌરાષ્ટ્રમાં કપાસની ખેતી કરતા ખેડૂતો તેમજ કોટન ઇન્ડસ્ટ્રીઝ ને પણ ખુબ જ ઉત્તેજના મળશે તેમ જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન ના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું હતું.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બજેટ માં નાના મોટા વેપારીઓ તેમજ અન્ય કરદાતાઓને આ બજેટમાં કોઇ નવી રાહત આપવામાં નથી. જેની સાથે સાથે કોઈ નવા કરબોજ પણ લાદવામાં આવ્યા નથી. જેથી નહિ નફો નહિ નુકશાન વાળું બજેટ ગણાવ્યું છે. પરંતુ બ્રાસ ઉદ્યોગ માટે બજેટ ફાયદાકારક હોવાનું પણ જણાવ્યું છે. જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના ના જણાવ્યા અનુસાર બજેટના પ્રત્યાઘાત રૂપે જામનગરના નાના મોટા વેપારીઓ ને બજેટમાં નવો કોઈ બોજો લાદવામાં આવ્યો નથી, તે રાહતના સમાચાર છે. પરંતુ તેની સામે કોઈ નવા લાભો પણ અપાયા નથી. તેથી બજેટને નહિ નફો નહિ નુકશાન વાળું ગણાવ્યું છે.