- ‘સંસ્કાર પેનલ’ના તમામ ઉમેદવારોને ડેલીગેટ્સે આપ્યો જાકારો: સત્તાવાર પરિણામ ગુરૂવારે જાહેર કરાશે
ગુજરાતની પ્રતિષ્ઠીત સહકારી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકના 15 ડિરેકટરોની ચૂંટણી માટે ગત રવિવારે મતદાન યોજાયા બાદ આજે સવારથી બેંકની હેડ ઓફીસ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સહકાર પેનલનું બુલડોઝર ફરી વળ્યું હતુ. તમામ 15 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો જંગી લીડ સાથે વિજેતા બન્યા હતા. જોકે સતાવાર પરિણામ આગામી ગુરૂવારે જાહેર કરવામાં આવશે.
રાજક્ોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સામાન્ય રીતે ઈલેકશનના બદલે સિલેકશન થતુ હોય છે. પરંતુ આ વખતે સહકાર અને સંસ્કાર બે પેનલો સામસામી હોવાના કારણે મતદાનની ફરજ પડી હતી. 21 ડિરેકટરોની ચૂંટણી માટે સહકાર પેનલ દ્વારા 21 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જેની સામે સંસ્કાર પેનલ દ્વારા 15 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સહકાર પેનલના છ ઉમેદવારો સુરેન્દ્રભાઈ પટેલ, લલીતભાઈ વોરા, દીપકભાઈ બકરાણીયા, નવીનભાઈ પટેલ, હસમુખભાઈ હિન્ડોચા, અને મંગેશજી જોશી બિન હરિફ ચૂંટાય આવ્યા હતા દરમિયાન 15 ડિરેકટરોની ચૂંટણી માટે 26 ઉમદેવારો વચ્ચે જંગ હતો ગત રવિવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ 96.39 ટકા મતદાન થયું હતુ. રાજકોટ શહેરમાં 96.43 ટકા, સુરત અને મુંબઈમાં 100 ટકા, મોરબીમાં 97.67 ટકા, જસદણમાં 93.10 ટકા અને અમદાવાદમાં 81.82 ટકા મતદાન થયું હતુ.
આજે સવારે શહેરના 150 ફૂટરીંગ રોડ પર રૈયા સર્કલ પાસે આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફીસ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટેની અનામત બે બેઠકો પર સહકાર પેનલના મહિલા ઉમેદવાર કિર્તીદાબેન જાદવ અને જયોતીબેન ભટ્ટનો શાનદાર વિજય થયો હતો.
ત્યારબાદ પુરૂષ વિભાગના ઉમેવદવારોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સહકાર પેનલના ડો.માધવભાઈ દવે, ચંદ્રેશભાઈ ધોળકીયા, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, દેવાંગભાઈ માંકડ, ડો. નરસિંહભાઈ મેઘાણી, નવીનભાઈ પટેલ, ભૌમીકભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, જીવણભાઈ જાગણી, વિક્રમસિંહ પરમાર, ચિરાગભાઈ રાજકોટટીયા, હસમુખભઈ ચંદારાણાનો વિજય થયો હતો.
સંસ્કાર પેનલના પ્રણેતા કલ્પકભાઈ મણીયાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ હાઈકોર્ટ દ્વારા ડયુઅલ મેમ્બરશીપના કારણે રદ કરવામાં આવ્યા હતા જેની સામે તેઓઅ ેગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અદાલત દ્વારા જિલ્લા કલેકટરના ચૂકાદાને યથાવત રાખવામાં આવ્યો હતો. શરૂઆતથી જ સહકાર પેનલનું પલડુ ભારે હતુ સંસ્કાર પેનલનું ખાતુ પણ ખૂલ્યુ ન હતુ મામા-ભાણેજની લડાઈમાં મામાએ મેદાન માર્યું છે. ચૂંટણીનું સતાવાર પરિણામ આગામી ગુરૂવારે જાહેર કરવામાં આવશે.