શિયાળો વિદાય લેવા તરફ : વહેલી સવારે અને રાત્રે અનુભવાતી ઠંડી, બપોરે ઉનાળા જેવો અહેસાસ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ હોય અને લઘુત્તમ તાપમાનનો પારો પણ ઉંચો આવી ગયો છે. આજે દીવસના પારો ૩૦ ડિગ્રીએ પહોંચી જતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૬.૩ અને મહતમ તાપમાન ૩૦.૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા ૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે નલિયાની વાત કરીએ તો નલિયાનું લઘુતમ તાપમાન હજુ ૧૦ ડિગ્રી નીચે એટલે કે ૮.૮ નોંધાયું છે જ્યારે મહતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડી ગાયબ થઈ રહી છે ત્યારે હવે લોકોને સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીની અહેસાસ થઈ રહ્યો છે. દેશના વાતાવરણને સીધી અસર પહોંચાડતી એક પણ સિસ્ટમના અભાવે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તાપમાનમાં ક્રમીક ધોરણે વધારો થવાની શકયતા છે.
જેને કારણે દિવસે ગરમી ઉપાડો લે અને રાત્રી દરમિયાન ઠંડી ગાયબ થઈ જવાની શક્યતા છે. રાજકોટમાં છેલ્લા પાંચેક દિવસોથી સામાન્ય ગરમી અને રાત્રે સામાન્ય ઠંડીના ચમકારા જોવા મળી રહ્યાં છે.
શિયાળો વિદાય લેવા તરફ : વહેલી સવારે અને રાત્રે અનુભવાતી ઠંડી, બપોરે ઉનાળા જેવો અહેસાસ થઇ રહ્યો છે. બપોરે પંખા કે એ.સી. ચાલુ રાખવા પડે તેવી સ્થિતી સર્જાવા લાગી છે. ફેબુ્રઆરી માસના અંત સુધી બેવડી સીઝનનો અનુભવ થશે ત્યારબાદ ગરમીનું જોર વધશે.