ચોમાસાની સિઝન હવે વિદાય લઇ રહી છે. રાજ્યમાં ધીમી ગતિએ શિયાળાના પગરવ થઇ રહ્યા છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. બપોરે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ સામાન્ય ઝાકળ વર્ષા થવા પામી હતી. રાજ્યમાં સાત શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધુ રહેવા પામ્યુ હતું. હજી એકાદ મહિનો મિશ્ર ઋતુનો અનુભવ થશે. ત્યારબાદ ઠંડીનું જોર વધશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક સ્થળોએ સવારે સામાન્ય ઝાકળ: સાત શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધુ
ચોમાસામાં વરસાદની સિઝન પૂર્ણતા પર હોય છે ત્યારે બેવડી સિઝનનો અનુભવ થતો હોય છે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય છે અને બપોરના સમયે આકરા તડકા પડતા હોય છે. બીજી તરફ નવા પાણીની આવક થવાના કારણે તેના ઉપયોગથી પાણીજન્ય ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. છેલ્લા બે-ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારે અને રાતે સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોરે ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે ગઇકાલે એવી આગાહી કરી હતી કે આ વર્ષ શિયાળાની સિઝનમાં પણ મહત્તમ તાપમાનનો પારો ઉંચો રહેશે. અમૂક શહેરોમાં શિયાળામાં પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાઇ શકે છે. આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક સ્થળોએ ઝાકળ વર્ષા થવા પામી હતી. સવારના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થતો હતો. શિયાળાના પગરવ થઇ રહ્યા હોય તેમ સુર્યાસ્ત પણ વહેલો થઇ રહ્યો છે.
ઓક્ટોબરનો આરંભ જ આકરો રહ્યો છે. ગઇકાલે રવિવારે રાજ્યના 7 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધુ રહેવા પામ્યો હતો. બપોરના સમયે ઉનાળા જેવા આકરા તડકાનો અહેસાસ લોકોએ કર્યો છે. કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાન સૌથી વધુ 37.9 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરનું તાપમાન 37.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 37.7 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 37.5 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 37.5 ડિગ્રી, ભુજનું તાપમાન 37.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત અને મહુવાનું તાપમાન 36 ડિગ્રીથી વધુ રહેવા પામ્યું હતું.
શિયાળો 20 દિવસ મોડો થવાની શક્યતા 10મી બાદ ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે
દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે. વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે એ દક્ષિણ-પશ્ચિમની હોય છે. 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે. ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે. ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે. અને ઉત્તર-પૂર્વનાં પવન હોય જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. આ વખતે ઠંડી પણ ભુક્કા બોલાવે તેવી પુરી શક્યતાઓ સેવાઈ રહી છે.