14.2 કિલો સિલિન્ડરના હવે 1050 રૂપિયા ચૂકવવા પડશે

એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓઈલ કંપનીઓ તરફથી કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ 6 જુલાઈની સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ કરી દીધુ છે. આ સાથે જ દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1079, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે. ગુજરાતમાં 14.2 કિલો સિલિન્ડરના હવે 1050 રૂપિયા ચૂકવવા પડશે.

એકબાજુ ઘરેલુ રાંધણ ગેસનો બાટલો મોંઘો થયો તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. આ અગાઉ પણ એક જુલાઈના રોજ ઓઈલ કંપનીઓ તરફથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો મસમોટો ઘટાડો કરાયો હતો. ત્યારબાદ આશા સેવાઈ રહી હતી કે આવનારા સમયમમાં ઘરેલુ ગેસ સિલિન્ડર પણ સસ્તો થશે. પરંતુ હવે કંપનીઓએ કિંમત વધારીને જનતાને ઝટકો આપ્યો છે.

1 જુલાઈના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટીને 2021 રૂપિયા થયા હતા. હવે આજે 8.50 રૂપિયાનો ફરીથી ઘટાડો થતા ભાવ 2012.50 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે કોલકાતામાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2132 રૂપિયામાં મળશે. મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2177.50 રૂપિયા ભાવ થઈ ગયો છે. આ અગાઉ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 19 મેના રોજ ફેરફાર થયો હતો.

એક જુલાઈ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પહેલી જૂનના રોજ 135 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. આ જ રીતે છેલ્લા 35 દિવસ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 300 રૂપિયા કરતા પણ વધુનો ઘટાડો થયો છે. (મે મહિનામાં સિલિન્ડરના ભાવ વધીને 2354 રૂપિયા થઈ ગયા હતા.તાજેતરમાં સરકારે જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ઉજ્જવલા યોજના હેઠળ 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. આ સબસિડી વાર્ષિક 12 સિલિન્ડર સુધી જ મળશે. સરકારના આ પગલાંથી 9 કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.