જન્મથી નહીં સ્વયંના પુરૂષાર્થથી મહાન બનાય છે
દીક્ષાર્થી નિધિબેનના સંયમ ભાવિત જીવનનું દ્રશ્યાંકન નિહાળી હજારો હૃદય સંયમપ્રેમથી ભીંજાયા
ત્યાગી આત્માની ત્યાગ જ્યોતમાંથી સ્વયંની ત્યાગ જ્યોત પ્રગટાવીને આત્મશુધ્ધિ કરવાની પાવન પ્રેરણા સાથેરાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા.ના સાંનિધ્યે ગિરનારની પાવન છાયા તળે પ્રભુ નેમનાથના પાવન પરમાણુઓની સ્પર્શનાએ ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે ઉજવાઈ રહેલાં નવ નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો આજનો અવસરઅનેક ભવ્ય જીવોને ભવ્ય ભાવિના સર્જનનું પ્રેરક નિર્દેશ કરી ગયો હતો.
નવ નવ આત્માઓના સંસારત્યાગની અનુમોદના કરતાંસમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે(મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દીયાબેન કામદારના) દીક્ષા મહોત્સવના છઠ્ઠા દિવસે વી જૈન વન જૈન સાથે જોડાએલાં સમગ્ર ભારતના 108 થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજ્ય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને કૃત્કૃત્ય બન્યાં હતાં.
ગિરનાર ધરા પર રચાએલાં નેમ દરબારના શમિયાણામાં દીક્ષાર્થીઓના સ્નેહભીના પ્રવેશ વધામણા સાથે જ આ અવસરે, પરમ ગુરુદેવે સૂતેલાં આત્માને ઢંઢોળી દેનારી હૃદયસ્પર્શી વાણી ફરમાવતાં કહ્યું હતું કે, આ સંસારમાં અનેક આત્માઓ જ્યારે પોતાના ગુણ-અવગુણની દરકાર કર્યા વિના બસ, જીવન જીવી જતાં હોય છે ત્યારે કોઈક જ આત્મા ક્ષણ ક્ષણની કિંમત સમજીને જીવનને સાર્થક કરી જતાં હોય છે. નવ નવ આત્માઓ જ્યારે ત્યાગ માર્ગ પર જઈ રહ્યાં છે ત્યારે તેમના ત્યાગની પ્રેરણાએ આપણી અંદરના સત્ તત્વને પણ જાગૃત કરીએ. કેમકે, જન્મથી કોઈ મહાપુરુષ કે મહાત્મા નથી બનતાં પરંતુ સ્વયંના પુરુષાર્થ અને સત્કર્મથી મહાન બનતાં હોય છે.
એક ત્યાગીનો ત્યાગ અને વૈરાગ્ય અનેકોને ત્યાગની દિશા આપી જતો હોય છે. એવા ત્યાગીઓને જોઈને આપણે કદાચ સંપૂર્ણ ત્યાગ ન કરી શકીએ પરંતુ અલ્પ ત્યાગના બીજ વાવતાં વાવતાં અંતે શુધ્ધિના ફળને પામીએ. ત્યાગ એક એવા દીપક સમાન હોય છે જેની જ્યોતમાંથી અનેકની ત્યાગ જ્યોત પ્રગટી જતી હોય છે. આ અવસરે આયોજિત ધ ફાઇનલ ફુલ સ્ટોલ કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ નિધિબેનના જીવનકવનને સેન્ડ આર્ટના ના માધ્યમે બખુબી દર્શાવવામાં આવતાં સહુ એમની મુમુક્ષુતા પ્રત્યે અહોભાવિત બન્યાં હતાં. મુમુક્ષુ નિધિબેનના સંસારી કાકા એવા શાસનગૌરવ પિયુષમુનિ મહારાજ સા.બ આ અવસરે ગુરૂ પરિવારની ઉજળી પરંપરાથી સહુને પરિચિત કરાવીને કહ્યું હતું કે, ઇતિહાસના પુનરાવર્તનથી આવેલું પરિવર્તન ક્યારેક પરમની પ્રેરણા આપી જતું હોય છે. એ સાથે જ, આ અવસરે નિધિબેને પોતાના અંતરંગ સંયમભાવોની અભિવ્યક્તિ કરીને સંયમ પ્રત્યેની એમની વર્ષોની ઝંખનાનું વર્ણન કરતાં sઉપસ્થિત સહુ સંયમ ધર્મની અનેરી પ્રેરણા પામ્યાં હતાં. આ અવસરે નિધિબેને સંસારી સ્વજનો સાથે પ્રેમભાવથી કરેલાં આત્મરક્ષાબંધનના ભાવવાહી દૃશ્યો સહુને ભાવવિભોર કરી ગયાં હતાં.
બુધવારે દીક્ષાર્થી એકતાબનેની જીવન કથા
ભવ્ય જીવો માટે આત્મકલ્યાણનો અપૂર્વ યોગ સર્જીને ઉજવાઈ રહેલાં દીક્ષા મહોત્સવના અનેક અવસરોની હારમાળામાં આવતીકાલ તા. 3ને બુધવારે સવારના 08.30 કલાકે ધ ફાઇનલ ફૂલસ્ટોપ કાર્યક્રમ અંતર્ગત દીક્ષાર્થી એકતાબેનની જીવનકથા-આત્મકલ્યાણની કેડી સ્વરુપ ચિંતનીય પ્રસ્તુતિ કરવામાં આવશે. આ અવસરે ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી દરેક કલ્યાણપ્રેમી ભાવિકોને લાઈવના માધ્યમે જોડાવવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.