2016થી આંતર કોલેજ રાયફલ શૂટિંગનું આયોજન હિરાણી કોલેજ દ્વારા કરવામાં આવતું હતું જો કે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું શારીરિક શિક્ષણ વિભાગ રાયફલ શુટીંગનું આયોજન કરતા અનેક વાદ-વિવાદો શરૂ થયા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વર્ષ 2011થી રાઇફલ શુટીંગની ગેમ્સ દાખલ થઇ હતી. ત્યારબાદ 2016થી આ સ્પર્ધાનું આયોજન રાજકોટની હીરાણી કોલેજ દ્વારા કરવામાં આવતું હતું. આ સ્પર્ધા પાછળ હીરાણી કોલેજ લગભગ 30 હજારનો ખર્ચ કરતી હતી. 2016 થી 2022 સુધી ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની રાઇફલ શુટીંગ ટીમે બ્રોન્ઝ-સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં પણ ટુર્નામેન્ટમાં પણ ગ્લર્સની ટીમે બ્રોન્ઝ મેડલ સૌ.યુનિ.ને અપાવી નેશનલ લેવલે નામ રોશન કર્યું હતું. ત્યારે કોઈ કારણોસર યુનિવર્સીટીએ હીરાણી કોલેજને આ વર્ષે રાઇફલ શૂટિંગ ગેમ્સની જવાબદારી ના સોંપતા અનેક વાદ-વિવાદો શરૂ થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટીની શુટીંગ ચેમ્પયિંનશિપ ટુર્નામેન્ટ દિલ્હીની સુભારતી યુનિવર્સીટી ખાતે યોજાશે. જેમાં એર રાઇફલ અને એર પિસ્તોલમાં બોયઝની ટુર્નામેન્ટ 15થી 19 ફેબ્રુઆરી જયારે ગર્લ્સની 19થી 23 ફેબ્રુઆરીએ યોજાશે. જે માટે વિગતો મોકલવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી છે.
ત્યારે હજુ આંતર કોલેજ સ્પર્ધા શરુ પણ ના થઇ હોય અનેક વાદ-વિવાદો સર્જાતા રાઇફલ શુટીંગના ખેલાડીઓમાં ભારે રોષ ફેલાયો છે અને છેલ્લી ઘડીએ જ આયોજક બદલાતા વિવાદો સર્જાયા છે. તત્યારે ખેલાડીઓનું ભાવિ ના બગડે તે રીતનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કરે તેવી માંગ ખેલાડીઓ કરી રહયા છે.
સ્પોર્ટ્સમાં વ્યકતિગત કારણોથી ખેલાડીઓને નુકશાન થાય છે: રાજદીપસિંહ જાડેજા
રાજદીપસિંહે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ જયારે યુનિવર્સીટીમાં રાઇફલ શુટીંગ ગેમ્સમાં અનેક વાદવિવાદો થતા હતા જો કે 2016માં શારીરિક શિક્ષણ વિભાગે મને આ જવાબદારી સોંપી ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ખેલાડીઓ રાઇફલ શૂટિંગમાં નેશનલ લેવલ ઝળકતાં હતા. જો કે વ્યક્તિગત કારણોસર આ વર્ષે હીરાણી કોલેજને આ સ્પર્ધાનું આયોજન નથી કરવા દેવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે. જો કે હવે આવા વિવાદો અને સ્પોર્સ્ટ ક્ષેત્રે રાજકારણ થતા ખેલાડીઓ અને યુનિવર્સીટીને જ નુકશાન છે.
ભલે યુનિવર્સીટી મને આ સ્પર્ધાનું આયોજન કરવા ન આપે પણ હવે જયારે શારીરિક શિક્ષણ વિભાગ આ સ્પર્ધા યોજી રહી છે ત્યારે વિધાર્થીઓને પૂરો ન્યાય થાય તેવી મારી લાગણી છે અને જો મારી પર કોઈ કેસની કાર્યવાહી બાકી હોય અને એ કારણે આ સ્પર્ધાનું આયોજન આપવામાં ના આવ્યું હોય તો કુલપતિ સમક્ષ બેસી હું ખુલાસો આપવા ત્યાર છું.
કેસની કાર્યવાહી ચાલતી હોય તેને કોઈ સ્પર્ધાનું આયોજન ન સોંપવા ઉચ્ચ શિક્ષણ વિભાગનો આદેશ: કુલપતિ
આ સમગ્ર મામલે સૌરાષ્ટ યુનિવર્સીટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે સૌ.યુનિ.નું શારીરિક શિક્ષણ વિભાગ રાઇફલ શુટીંગ સ્પર્ધાનું આયોજન કરશે.
હીરાણી કોલેજને આ વર્ષે આ ઇવેન્ટ નથી સોંપવામાં આવી કેમ કે ઉચ્ચ શિક્ષણ વિભાગના આદેશ મુજબ કોઈ વ્યકતિ પર કેસની કાર્યવાહી ચાલતી હોય તેને આ સ્પર્ધા સોંપવામાં ના આવી શકે.