મંદિર પરિશરને બી કેટેગરીમાંથી એ કેટેગરીમાં રૂપાંતરિત કરાશે
શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ” ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ ” માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન કલેક્ટર મહેસાણા ઉદીત અગ્રવાલ ટ્રસ્ટી યજ્ઞેશભાઇ દવે, ટ્રસ્ટી બલવંતસિંહ રાજપુત જયશ્રીબેન પટેલ અને અન્ય મહાનુભવોની હાજરીમાં બહુચરાજી ટેમ્પલ ડેવલોપમેન્ટ માટે મોટા નિર્ણયો લેવાયા હતાં.
આ બેઠકમાં મહેસાણા ડીએસપી પ્રાંત કડી સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરવા સમગ્ર મંદિરને નવેસરથી રી ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે.
મુખ્ય મંદિર પરિસર ભોજનશાળા યજ્ઞશાળા માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસર ની આજુબાજુ નો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે ટ્રસ્ટ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
મંદિર પરિસરમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે તેમજ આદ્યશક્તિ બહુચરાજી માતાજી સવાર અને સાંજની આરતી વેબસાઈટ દ્વારા ઓનલાઈન બતાવવામાં આવશે જેથી દેશ તથા વિદેશમાં રહેતા માઇ ભક્તોને દર્શનનો અને આરતી નો લાભ મળી શકે. મા શક્તિની પૂજા અર્ચના નો નવરાત્રીનો ઉત્સવ ધામધૂમથી રંગે ચંગે માતાજીના પરિસરમાં ઉજવવામાં આવશે.
શ્રી બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસર ને ” બી ” કેટેગરી માંથી “એ ” કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલ ચેર અને લિફ્ટ ની વ્યવસ્થા કરવામાં આવશે દર્શનમાં પણ તેમને અગ્રીમતા આપવામાં આવશે.
મંદિરની નજીક આવેલ બધેલીયા તળાવનું બ્યુટીફિકેશન કરી ડેવલપ કરવામાં આવશે. તેમજ મંદિરની આસપાસના વિસ્તારમાં પણ સુધારા કરવામાં આવશે. મંદિરની ફરતે આવેલ કિલ્લાને દિવાલને નવેસરથી ઓપ આપીને હેરિટેજ લુક આપવામાં આવશે. યજ્ઞશાળા તથા મંદિર પરિસરમાં આવેલ નાના મોટા મંદિરોને પણ સુધારા વધારા કરી નવીનીકરણ કરવામાં આવશે.
પ્રસાદ માટે અલગ અલગ કેટેગરી અને બોક્સની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ માતાજીના મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલી સાડી દાતા ભાવિક ભક્તોની પ્રસાદી સ્વરૂપે આપવા માટે અલગ પેકેજ કરવામાં આવશે. મંદિરના યજ્ઞશાળા તથા નવચંડી કરનાર બ્રાહ્મણોના માનદ વેતન દક્ષિણામાં પણ ઘણો મોટો વધારો કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરણાથી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી કિરીટભાઈ પટેલ જયેશભાઈ મોદી, સંદીપભાઈ શેઠ, રાજેશ પટેલ , રાકેશ સોની, સુખાજી ઠાકોર સહિત તમામ ટ્રસ્ટીઓએ ઉપરોક્ત નિર્ણયો સર્વાનુંમતે દેવસ્થાનના વિકાસ માટે લીધા હતા.