કોમ્પ્યૂટર ટેસ્ટ પાસ ન કરનાર 27 ઉમેદવારોને નોકરીમાં હાજર થવાનો ઓર્ડર આપી દીધાનો લોચો ધ્યાનમાં આવતા મ્યુનિ.કમિશનરે રાતોરાત ઓર્ડર કેન્સલ કરી મેરિટ અને સીપીટીમાં અવ્વલ ઉમેદવારોને નોકરીનો ઓર્ડર આપ્યો
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી જુનિયર ક્લાર્કની 122 જગ્યા ભરવા માટે છેલ્લાં બે વર્ષથી ચાલતી પ્રક્રિયા ગત સોમવારે પૂર્ણ થયા બાદ વિવાદ સર્જાતા રાતોરાત નોકરીના ઓર્ડર કેન્સલ કરી નવી યાદી સવારે કોર્પોરેશનની વેબસાઇટ પર મુકવાની ફરજ પડી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી જુનિયર ક્લાર્કની જગ્યા ભરવા માટે ફેબ્રુઆરી-2020માં અરજીઓ મંગાવવામાં આવી હતી. 122 જગ્યાઓ માટે 45,397 ઉમેદવારોએ અરજી કરી હતી. સ્કૂટીની બાદ અલગ-અલગ 6 શહેરોમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 25,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નિયમાનુસાર નિયત જગ્યા કરતા 6 ગણા ઉમેદવારો એટલે કે 732 લોકોની કોમ્પ્યૂટર ટેસ્ટ લેવામાં આવી હતી. દરમિયાન ગત 21મી ફેબ્રુઆરીના રોજ એસ.ટી. કેટેગરી સિવાયની 95 જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોની નામાંવલી કોર્પોરેશનની વેબસાઇટ પર મુકી દેવામાં આવી હતી. આ 95 પૈકી 27 ઉમેદવારો એવા હતા કે જેઓ મેરિટમાં અવ્વલ હતા પરંતુ કોમ્પ્યૂટર પ્રેક્ટિકલ ટેસ્ટમાં પાસ થયા ન હતા. 6 મહિનામાં સીપીટીની પરીક્ષા પાસ કરી લેવાની શરતે તેઓને નિમણૂંક આપવામાં આવી હતી. જ્યારે ક્લાર્કની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી ત્યારે એવો નિયમ રાખવામાં આવ્યો હતો કે મેરિટ ટેસ્ટમાં અવ્વલ અને કોમ્પ્યૂટર ટેસ્ટમાં વધુ માર્ક્સ હશે તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. દરમિયાન નિયમ વિરૂધ્ધ 95 પૈકી 27 ઉમેદવારો કે જેઓ કોમ્પ્યૂટરની ટેસ્ટ પાસ કરી ન હતી તેઓને પણ નોકરીના ઓર્ડર આપી દેવાયા હોવાનું ધ્યાનમાં આવતા અન્ય ઉમેદવારોએ આ અંગે વિરોધ નોંધાવતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા સમક્ષ રજૂઆત કરી હતી.
રાજ્ય સરકારના ઠરાવ મુજબ મેરિટમાં અવ્વલ હોય અને કોમ્પ્યૂટર ટેસ્ટ પાસ ન કર્યું હોય તેવા ઉમેદવારોને છ મહિનામાં કોમ્પ્યૂટર ટેસ્ટ પાસ કરી લેવાની શરતે નોકરી રાખી શકાય છે.
જો કે, કોર્પોરેશને જ્યારે ક્લાર્કની ભરતી માટેના નિયમો બનાવ્યા ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મેરિટમાં અવ્વલ અને કોમ્પ્યૂટર ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવનારની જ પસંદગી કરવામાં આવશે. આ અંગે ઉમેદવારોની રજૂઆત બાદ લીગલ અભિપ્રાય મેળવ્યા બાદ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મોડી રાતે જુનિયર ક્લાર્કની ભરતી માટેનો જૂનો ઓર્ડર કેન્સલ કર્યો હતો અને આજે સવારે કોર્પોરેશનની વેબસાઇટ પર નવા ઉમેદવારોની નામાંવલી મુકવામાં આવી હતી. જે તમામને બપોર સુધીમાં જાણ પણ કરી દેવામાં આવી હતી. બીજી તરફ એસ.ટી. કેટેગરીમાં આવતા 27 ઉમેદવારોની નામાંવલી વેબસાઇટ પર મુકવામાં આવી છે પરંતુ સરકારના નિયમ મુજબ એસ.ટી. કેટેગરીના ઉમેદવારોના તમામ દસ્તાવેજની ચકાસણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા બાદ તેની ભરતી કરવામાં આવે છે. જેને કારણે આ તમામની નામાંવલી સરકાર સમક્ષ મોકલી દેવામાં આવી છે.