અબતક, જામનગર
જામનગરમાં હનુમાન આશ્રમ ખાતે હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમા મુકાતા ભારે વિવાદ સર્જાયો છે જેમાં કોંગ્રેસ દ્વારા પ્રતિમાને તોડી નાખતાં મામલો ઉગ્ર બન્યો છે. અને હિન્દુ સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહિંસાના માર્ગે ચાલતુ કોંગ્રેસ હિંસાના માર્ગે ચાલવા લાગ્યું છે.મળતી માહીતી મુજબ સોમવારે હિન્દુ સેના દ્વારા મુકવામાં આવેલી નથુરામ ગોડસેની પ્રતિમાને મંગળવારે એટલે કે પ્રતિમા મૂકયાના 24 કલાકમાં જ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા પથ્થરો મારી તોડવામાં આવી હતી. જેથી હિન્દુ સેનાએ તેમના વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
બનાવના પગલે હિન્દુ સેનાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા હિંસાનું કામ કરવામાં આવ્યું છે. અને સાથે શ્રીરામ લખેલી શાલને પણ કચરામાં ફેંકી દેતા ધર્મનું પણ અપમાન કરવામાં આવ્યું છે. અહિંસાના માર્ગે ચાલતું કોંગ્રેસ હિંસાના માર્ગે દોડવા લાગ્યું છે તેવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રતિમાને લઇ પહેલેથી વિવાદ ચાલી રહ્યો છે. પ્રતિમાને સ્થાપીત કરવા તંત્ર પાસે જગ્યાની માંગણી કરાઇ હતી પરંતુ જગ્યાની ફાળવણી કરવામાં આવી ન હતી. જેથી કોઇ જવાબ ન મળતા 15 નવેમ્બરે હિન્દુ સમાજ દ્વારા ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.