બાલાજી મંદિર અને ગજાનંદ ધામ વચ્ચે સમાધાન થયું, ગણપતિ મહોત્સવ જે જગ્યાએ ઉજવાતો એ જ જગ્યાએ યોજાશે
કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર કોઠારી દ્વારા આ જગ્યા પર રેતી-કપચી પાથરીને ગણપતિ મહોત્સવનું આયોજન ન કરવા અંગે પ્રયાસ કરાયો હતો. જે બાદ ગજાનંદ ધામ મંડળ અને સનાતનીઓ લાલઘુમ થઈ હયા હતા. જો કે આજે આ બાબતનો અંત આવ્યો છે અને સમાધાન થયું હોવાનું જાણકારી મળી છે. રાજકોટ બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બાલાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. બાલાજી મંદિરના વિવેક સાગર સ્વામીએ આ અંગે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું કે, બાલાજી મંદિર અને ગજાનંદ ધામ વચ્ચે સમાધાન થયું છે. ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ યોજાશે.
બાલાજી મંદિરમાં ગણપતિ મહોત્સવ યોજવાની સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામી દ્વારા મનાઈ ફરમાવવામાં આવતા આયોજકો અને સનાતનીઓ રોષે ભરાયા હતા. જે ગઈકાલે રાત્રે પોલીસ કમિશનરે બાલાજી મંદિરના સ્વામી સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ આ જગ્યા પર છેલ્લા 13 વર્ષથી યોજાતો ગણપતિ મહોત્સવ આ વર્ષે પણ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ તરફ ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અનેજેસીબીની મદદથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. જે બાદ આ મામલે ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગણપતિ ઉત્સવ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. વિવેક સાગર સ્વામીએ જણાવ્યું છે કે, ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ થશે