કંપનીના અધિકારીઓ દ્વારા વાતનો ઇન્કાર: શહેરમાં ચર્ચાનો વિષય બન્યો
ગિરનાર પર ગુરુ ગોરખનાથ અને ગુરુ દત્તાત્રેય સુધી રોપવે લંબાવવાની તજવીજ હાથ ધરાયાની વાત સામે આવતા એક વિવાદ ભડક્યો છે. અને વિરોધ કરવા તજવીજ હાથ ધરાય છે. જો કે, કંપનીના અધિકારીઓ દ્વારા આવી કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવી હોવાનો ઇનકાર થયો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવી તજવીજ થઈ હોવાનું સામે આવતા આ બાબત જૂનાગઢ શહેરમાં પણ ચર્ચાનો વિષય બની છે.
હાલમાં જુનાગઢના ગરવા ગિરનાર ઉપર ભવનાથ લોઅર સ્ટેશનથી ગિરનાર અપર સ્ટેશન એટલે કે અંબાજી ટુક સુધીની ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવે સેવા શરૂ કરવામાં આવી છે.
અને આ રોપવે સેવા ગિરનાર પર ગુરુ ગોરખનાથ અને ગુરુ દત્તાત્રેય સુધી લંબાવવામાં આવે તે માટેની સર્વે કામગીરી શરૂ થઈ હોવાની વાત સામે આવતા, ગિરનાર પર્વત ઉપરના ધાર્મિક સ્થાનોના સંચાલકો લાલઘુમ થયા છે. અને આ બાબતે વિરોધ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાંભળવા મળતી વાતો અનુસાર અમુક અધિકારીઓ દ્વારા ધાર્મિક સ્થળના સંચાલકોને ફોન કરવામાં આવ્યો હતો અને ગિરનાર પર ગુરુ ગોરખનાથ અને ગુરુ દત્તાત્રેય સુધી રોપવે લંબાવવામાં આવી રહ્યો છે તેવી વાત થઈ હતી.
ત્યારે આ કામગીરીનો અમુક ધાર્મિક જગ્યાઓના સંચાલકોએ વિરોધ કર્યો છે. અને જણાવી રહ્યા છે કે, એક તો ગિરનાર પર ગુરુ ગોરખનાથ અને ગુરુ દત્તાત્રેય સુધીનો જે રસ્તો એટલે કે પગથિયા છે તેની લાઈનો ખૂબ જ ટૂંકી છે અને તહેવારના દિવસોમાં ભારે ભીડ થતી હોય છે. ત્યારે જો આ સ્થળે રોપવેનું અપર સ્ટેશન બને તો તહેવારો અને રજાના દિવસોમાં થતી ભીડને કંટ્રોલ કરવી ભારે અશક્ય બને અને અનેક નાના-મોટા અકસ્માત થવાની ભીતિ પણ સર્જાય. ત્યારે કંપની દ્વારા જે તજવીજા થઈ રહી છે તે યોગ્ય નથી અને આ બાબતે અમો વિરોધ નોંધાવીશું.
જો કે, આ બાબતે કંપનીના અધિકારીઓ જણાવી રહ્યા છે કે, બહારથી આવેલ અને કંપની સાથે સંકળાયેલા કેટલાક તજજ્ઞોએ સર્વે માટે તજવીજ કરી હશે તેવું અમોને જાણવા મળી રહ્યું છે. બાકી ગિરનાર રોપવેના એક્સ્ટેશન માટે કંપની દ્વારા આવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી તેવું સત્તાવાર રીતે જણાવાયું છે.
બીજી બાજુ આ બાબત વાયુવેગે લોકોમાં પ્રસરતા આ બાબત જુનાગઢ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. અને ધાર્મિક પ્રકૃતિના લોકો અને ગિરનારથી ખૂબ જ વાકેફ એવા લોકો દ્વારા આ બાબતે વિવિધ ટીપણીઓ અને આ ચર્ચાઓ ચાલી રહી છે.