સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 400થી વધુ કરારી કર્મચારીઓ છેલ્લા 24 દિવસથી કોન્ટ્રાકટ વગર જ સ્વૈચ્છિક કામ કરી રહ્યા છે કોઈ નિર્ણય ન આવતા કર્મચારીઓમાં કચવાટ, જો કે કુલપતિના સધિયારા બાદ કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ કરતા 400થી વધુ કરારી કર્મચારીઓનો છેલ્લા 24 દિવસથી પ્રશ્ન અધ્ધરતાલ છે. ત્યારે આજે તમામ કર્મચારીઓ યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિને રજુઆત અર્થે ગયા હતા જો કે સમય સુચકતા સાથે રજીસ્ટાર સમગ્ર મામલે વચ્ચે પડી તમામ કર્મચારીઓને ફરી પાછા કામ પર મોકલી દેતા મામલો શાંત પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ હવે રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં કોઈ પણ મોટા મુદ્દે રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી નિર્ણય કરવાનો રહેશે.
ગત તા.10 ડીસેમ્બરના રોજ કરારી કર્મચારીઓનો કોન્ટ્રાકટ પૂરો થતાં છેલ્લા 24 દિવસથી આ તમામ કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે કામ કરી રહ્યા છે ત્યારે આજે આ તમામ કર્મચારીઓ પોતાનો પ્રશ્ન લઈને વીસી પાસે પહોંચ્યા હતા જો કે વીસી આશ્વાસન આપી કર્મચારીઓને પરત મોકલ્યા હતા.
વેક્સિનના બે ડોઝ લેનારાઓને જ યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યૂ હતું કે, કોરોનાના કેસોમાં જે રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે તેને લઈને આજથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓને ફરજિયાત વેકસીનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ. આ ઉપરાંત માસ્ક પણ ફરજીયાત પહેરવાનું રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્કૂલોની જેમ હવે યુનિવર્સિટી કે કોલેજોમાં જે વિદ્યાર્થીઓને વેકસીન બાકી હશે તેના માટે પણ મેગાડ્રાઇવ યોજીને તમામને વેકસીન આપવાનો અમારો લક્ષાયંક છે.
નોકરીમાં તાકીદે પરત લેવા માંગ: કર્મચારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના કરારી કર્મચારી જીતુભાઇએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, તમામ કર્મચારીઓ વતી અમારી એ જ માંગ છે કે, તાકીદે અમોને નોકરીમાં સતાવાર રીતે પરત લેવામાં આવે. આજે વીસી સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યુ હતું કે, આપ સૌએ અત્યાર સુધી ધીરજ રાખી છે આગામી દિવસોમાં જલ્દી થી જલ્દી પ્રશ્નનું સમાધાન થાય તેવો અમારો પ્રયત્ન છે.
સકરારી કર્મચારીઓને અન્યાય નહીં થવા દઈએ: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર સાથે અમારી વાતચીત ચાલી રહી છે અને બ્રેક બાદ પણ તમામ કર્મચારીઓએ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે અને વિદ્યાર્થીઓનું કામ પણ કર્યું ચતેનું વળતર પણ અમે કર્મચારીઓને આપશું એ ચોક્કસ છે. હાલ કર્મચારીઓ ધીરજ રાખે અને પોતાનું કામ કરે. રાજ્ય સરકાર સાથે અમારો સતત પરામર્શ ચાલી રહ્યો છે. કોઈ કર્મચારીઓને અન્યાય ના થાય એ જ અમારી પ્રાથમિકતા છે. છઠ્ઠા અને સાતમા પગારપંચ મુજબ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા લિસ્ટ ત્યાર થયા બાદ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે અને આ પ્રક્રિયા જલ્દી પુરી થાય તેવો અમારો પ્રયાસ છે.