કોશિશની કલમનો કરાય ઉમેરો : એક દિવસની રિમાન્ડ મંજૂર
અબતક,રાજકોટ
શહેરના રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતો ટ્રાફિક શાખાનો કોન્સ્ટેબલ રેશાદ બસીરભાઈ સીંજાતના ટ્રાફિક પોલીસમેન મહિલા કોન્સ્ટેબલની જાતીય સતામણી સાથે તેને ગળેટૂંપો આપી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ એફઆઇઆરમાં 307ની કલમ ઉમેરાઇ છે અને પોલીસ કમિશનરે તેને તાત્કાલિક અસરથી જ સસ્પેન્ડ કરી દીધો છે. એ. ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા રેશાદના 1 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ એ ડીવીઝન પોલીસ મથક ખાતે રેશાદ સામે પજવણી અને ધમકી આપ્યાના ગુના હેઠળ ફરીયાદ નોંધાઈ હતી. ગઇ રાત્રે તેની ધરપકડ થઇ હતી. બાદમાં તેને ટ્રાફિક શાખામાંથી હેડકવાર્ટરમાં બદલી કરી દેવામાં આવી હતી. આજે ભોગ બનનાર મહિલા કોન્સ્ટેબલે મામલતદાર સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતા ખુલાસો કર્યો હતો કે, આરોપી રેશાદે તેને ગળેટૂંપો આપતા તે બેભાન થઇ ગઇ હતી. દરમિયાન આરોપીને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે પીડિતા દ્વારા થયેલા ખુલાસા બાદ પોલીસ કમિશ્નરે પણ આરોપીને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.