વોર્ડ નં.૧૩માં ખોડિયારનગરમાં ભુગર્ભ ગટરનું પાણી ગીતાનગરમાં આવતું હોવાની ફરિયાદ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને કરતા કોર્પોરેટર જયાબેન ડાંગર

વોર્ડ નં.૧૩ના કોન્ટ્રાકટરો મહાપાલિકાના અધિકારીઓને ગાંઠતા નથી જેના કારણે લતાવાસીઓએ પારાવાર હાલાકી ભોગવવી પડે છે તેવો બળાપો એસ્ટેટ સમિતીના ચેરમેન જયાબેન ડાંગરે પોતાના મતવિસ્તાર એવા વોર્ડ નં.૧૩માં ખોડિયારનગરનું ભુગર્ભ ગટરનું પાણી ગીતાનગરમાં આવતું હોવાની ફરિયાદ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ કરતા કાઢયો હતો.

રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩માં ગત ચોમાસાની ઋતુમાં ભુગર્ભ ગટરનો ગાર કાઢવામાં આવ્યો નથી અને કોન્ટ્રાકટરનું સુપર વિઝન કરવા માટે કોઈ અધિકારી નથી જેના કારણે કોન્ટ્રાકટરો ઉડાવ જવાબ આપે છે. કોન્ટ્રાકટર અધિકારીની ગાંઠતા ન હોવાના કારણે લતાવાસીઓએ ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. ખોડિયારનગર વિસ્તારનું ભુગર્ભ ગટરનું પાણી ગીતાનગરમાં આવે છે. આ અંગે લોકો ફરિયાદ કરવા છતાં તેનું નિરાકરણ આવતું નથી જેના કારણે લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.

કોર્પોરેટર જયાબેન ડાંગરની રજુઆત બાદ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી ભુગર્ભ ગટરનું પાણી રોકવા માટે સ્ક્રીન ચેમ્બર બનાવવા માટે ઝોનના સીટી ઈજનેર અને ડેપ્યુટી ઈજનેરને સ્થળ વિઝીટ કરી ચેમ્બર બનાવવાની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવા અને લોકોની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.