અબતક,રાજકોટ
કોઠારિયા સોલવન્ટ પાસે આવેલી સિતારામ સોસાયટીના યુવાનની લોહીલુહાણ હાલતમાં કોઠારિયા સોલવન્ટ પાસે રેલવે ટ્રેક પરથી લાશ મળી આવી હતી. ટ્રેનની ઠોકરે ઘવાતા મોત નીપજયાનું જાહેર થયા બાદ હત્યામાં સંડોવાયેલા શખ્સને રાત્રે ડરામણા સપના આપતા બનાવ હત્યાનો હોવાનું બહાર આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસમાં મૃતકની પત્નીના બોયફ્રેન્ડે માતાજીના ભુવા સહિત બે શખ્સોને રૂા.5.10 લાખ ચુકવી હત્યા માટે સોપારી આપ્યાની ચોકાવનારી વિગત પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે સોપારી આપી હત્યાના બનાવને અંજામ આપનાર બાંધકામના ધંધાર્થી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
કોઠારિયા સોલવન્ટ પાસે યુવાનની સોપારી આપી હત્યા કરાવ્યાનું ખુલ્યું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિતારામ સોસાયટીમાં રહેતા મનોજ પ્રતાપભાઇ વાઢેર નામના યુવાનની ગત તા.28 ઓકટોમ્બરે કોઠારિયા સોલવન્ટ પાસે રેલવે ટ્રેક પરથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા મનોજ વાઢેર ટ્રેનની ટોકરે ઘવાતા ઇજા થયાના અનુમાન સાથે એકસિડન્ટ ડેથ (એડી)ની નોંધ કરી તપાસ હાથધરી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બોર્થડ પદાર્થની ઇજા હોવાનો તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
મૃતકની પત્નીના બોયફ્રેન્ડે માતાજીના ભુવાને સોપારી આપી કાવતરાને અંજામ આપ્યો
દરમિયાન પારડી ગામના રાજેશ પુંજા પરમારને હત્યા અંગે ડરામણા સપના આવતા હોવાનું પોતાના ભુવા મેહુલ પારઘીને મનોજ વાઢેરની હત્યા અંગે વાત કરી હતી. માતાજીના ભુવા મેહુલ પારઘીએ માતાજી આ બનાવમાં કંઇ ન કરે જે કંઇ કરવાનું છે તે તારે જ કરવાનું કહેતા રાજેશ પરમાર ત્યાંથી જતો રહી પોતાના પરિવારને જાણ કરી હતી તેઓએ આ અંગે પોલીસ બાતમી મળતા આજી ડેમ પોલીસે રાજેશ પરમારની અટકાયત કરી પૂછપરછ કરતા તેને દારૂની પોટલીના પ્રશ્ર્ને મનોજ વાઢેર સાથે ઝઘડો થતા પથ્થરના ઘા માર્યાની કબુલાત આપતા આજી ડેમ પોલીસે મૃતક મનોજ વાઢેરની પત્ની ફાલ્ગુનીની ફરિયાદ પરથી રાજેશ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
દારૂની એક કોથડીના કારણે હત્યા થયાની સ્ટોરી ક્રાઇમ બ્રાન્ચને ગળે ન ઉતરતા આ અંગે ઉંડી છાનભીન કરતા હત્યા માટે કાલાવડ રોડ પર હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા પરેશ પરસોતમ અકબરી નામના પટેલ શખ્સે સોપારી આપી કરાવવામાં આવ્યાનું અને માતાજીના ભુવા મેહુલ રામજી પારઘી સહિત પાંચ શખ્સોની સંડોવણી હોવાનું પી.આઇ. વી.કે.ગઢવી, પીએસઆઇ એમ. એમ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા અને ચેતનસિંહ ગોહિલની તપાસમાં બહાર આવ્યું હતું.
ટ્રેનની ઠોકરે મૃત્યુ થયાની અને દારૂના ડખ્ખામાં ખૂન કર્યા બનાવમાં આવ્યો નવો વળાંક:
કોન્ટ્રાકટરે રૂ.5.10 લાખ હત્યા કરનારને ચુકવ્યા
મૃતક મનોજ પ્રતાપભાઇ વાઢેરની પત્ની ફાલ્ગુનીને બાંધકામ કોન્ટ્રાકટર પરેશ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ 2017માં મૈત્રી કરાર કર્યા હતા. મનોજ વાઢેરની માતા બીમાર રહેતી હોવાથી તેની દેખભાળ માટે ફાલ્ગુનીએ ફરી મનોજ વાઢેર સાથે કરાર કર્યા હતા. મનોજ વાઢેર દારૂના નશામાં પોતાની પત્ની ફાલ્ગુનીને મારકૂટ કરતો હોવાની વાત પરેશ પટેલને કરતા તે ઉશ્કેરાયો હતો અને મનોજ વાઢેરની હત્યા માટે ખોખડદડ ખાતે ચાની હોટલ ધરાવતા વિમલ કિરીટ બાંભવાને વાત કરી હતી.
વિમલ બાંભવા પારડી ગામે માતાજીના ભુવા મેહુલ પારઘી પાસે પરેશ પટેલને લઇને ગયો હતો. મેહુલ પારઘીએ હત્યા માટે પારડીના કિશન મનસુખ જેઠવાને વાત કરી મોટી રકમ મળે તેમ હોવાનું જણાવતા તેઓ મનોજ વાઢેરની હત્યા માટે તૈયાર થયા હતા અને હત્યાના બદલામાં રૂા.10 લાખની માગણી કરી હતી ત્યારેં પરેશ અકબરીએ પોતે રૂા.4 લાખ આપી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.મનોજ વાઢેરની હત્યા માટે મેહુલ પારઘી અને કિશન જેઠવાએ પારડીના રાજેસ પરમારને હત્યા કામ સોપ્યું હતું. રાજેશ પરમારે દારૂનો નશો કરી મનોજ વાઢેરને પથ્થરના ઘા મારી હત્યા કર્યાનો સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રાજેશ પૂંજા પરમાર, કિશન મનસુખ જેઠવા, પરેશ પરસોતમ અકબરી અને વિમલ કિરીટ બાંભવાની ધરપકડ છે.
પરેશ અકબરીની પૂછપરછ દરમિયાન તેને હત્યા પહેલાં રૂા.બે લાખ અને હત્યા બાદ રૂા.બે લાખ ચુકવવાની કબુલાત આપી હતી પરંતુ ઘટના સ્થળે પોલીસને જોતા પરેશ અકબરી ડરી ગયો હતો અને હત્યામાં પોતાનું નામ ન આવે તેના બદલામાં કિશન જેઠવાને વધારે એક લાખ ચુકવવાનું નક્કી કરી કુલ રૂા.5.10 લાખ ચુકવી દીધાની કબુલાત આપી છે. પાંચેય શખ્સોએ હત્યા પૂર્વે અને હત્યા બાદ મોબાઇલમાં વાત ચીત થઇ હોવાથી તમામની કોલ ડીટેઇલ મેળવી તપાસ હાથધરી છે.