આરોગ્ય કર્મચારીઓની હડતાલનો ચોથો દિવસ
શાળા આરોગ્ય તપાસણી અને રસીકરણ કાર્યક્રમ ટલ્લે ચડ્યા જેતપુરના ખારચિયા ગામે કોન્ટ્રાકટ બેઇઝ કર્મીએ ભગો કર્યો, દોઢ મહિને મુકવાની રસી એક માસની બાળકીને મૂકી દીધી
આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે ચોથો દિવસ છે. ત્યારે આ હડતાલમા આરોગ્ય સેવા ન ખોરવાય તે માટે બિન અનુભવી કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્ય માથે જોખમ તોળાઈ રહ્યું છે.
પંચાયત સેવાના આરોગ્ય કર્મચારિયો પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે હડતાલ ઉપર ઉતર્યા છે. તેઓની હડતાલનો આજે ચોથો દિવસ છે. આ હડતાલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા ઠપ્પ થઈ ગઈ હતી. જેના લીધે જિલ્લા આરોગ્ય તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને ફરજ સોંપી છે. અગાઉ આરોગ્ય કર્મચારિઓના માર્ગદર્શન હેઠળ તેમની સાથે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓથી જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્ય માથે મોટુ જોખમ ઉભું થયું છે.
આવો જ એક કિસ્સો જેતપુર તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે. જેતપુર તાલુકાના ખારચિયા ગામે કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીએ મોટી ભૂલ કરી નાખી હતી. મમતા દિવસ અંતર્ગત રસીકરણના કાર્યક્રમમાં દોઢ, અઢી અને સાડા ત્રણ વર્ષના બાળકોને પેન્ટાવેલેન રસી આપવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીએ માત્ર એક મહિનાની બાળકીને આ રસી આપી દીધી હતી. જેના કારણે બાળકીને ઉલટી થઈ ગઈ હતી. જો કે સદનસીબે આ બાળકીને કોઈ મોટી આડઅસર થઈ ન હતી. હાલ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં પણ જોતરવામાં આવ્યા છે. ત્યારે શાળાના ભૂલકાંઓના આરોગ્યની તપાસણી બરાબર રીતે થશે કે કેમ તેની સામે પણ પ્રશ્ન ઉભા થયા છે.