કઠોળ, તેલીબીયા, ડુંગળી, ટમેટા અને ખાદ્યતેલને જરૂરિયાતની વસ્તુઓના કાયદામાંથી બાકાત રાખવા તજવીજ: હવે કૃષિ ક્ષેત્રમાં વિદેશી રોકાણકારો માટે વધુ અનુકુળ વાતાવરણ ઉભુ થશે
દેશને ફરીથી સોને કી ચીડીયા બનાવવા માટે વડાપ્રધાન મોદીની સરકારે તબક્કાવાર સુધારાઓ ખેતી ક્ષેત્રમાં કર્યા છે. જેના અનુસંધાને ગઈકાલે કરાર આધારીત ખેતી, વાયદા બજાર અને ભાવ બાંધણા સહિતના મુદ્દે કેબીનેટે આપેલી મંજૂરી આગામી સમયમાં કૃષિ ક્ષેત્રને નવી દિશા અને દશા આપે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. ભારતનું અર્થતંત્ર ખેતીને સંલગ્ન અથવા તો આડકતરી રીતે સંકળાયેલા ઉદ્યોગો ઉપર નિર્ભર છે. ૬૫ ટકા હિસ્સો ખેતીનો છે. આવા સંજોગોમાં ખેતીના વિકાસ માટે સરકારે તેલીબીયા, ડુંગળી, કઠોળ, ટમેટા અને ખાદ્ય તેલ સહિતની વસ્તુઓને આવશ્યક વસ્તુ અધિનિયમ એટલે કે, એસેન્સીયલ, કોમોડીટી એકટ (ઈએસએ)માંથી બાકાત કરી દીધા છે. જેના પરિણામે હવે આવી વસ્તુઓનો સંગ્રહ, વિતરણ સહિતના મુદ્દે સ્વતંત્ર્તા મળશે. દેશ વન નેશન વન માર્કેટની દિશામાં આગળ વધ્યો છે. કોઈપણ ખેડૂત દેશના કોઈપણ રાજ્યમાં પોતાની જણસી વેંચી શકશે, હવે રિટેલર કે નિકાસકાર નક્કી કરેલા ભાવ મુજબ ખેતપેદાશનો વાયદો લઈ શકશે જેના પરિણામે ખેડૂતને સારા ભાવ મળશે. ઉપરાંત બજારમાં હરિફાઈ પણ ઉભી થશે. કૃષિ ક્ષેત્રમાં સરકારે કરેલા ફેરફાર દેશને કોન્ટ્રાકટ ફાર્મિંગ તરફ વધુ એક ડગલુ આગળ ધકેલશે. કોન્ટ્રાકટ ફાર્મિંગના માધ્યમથી ખેડૂત સંગઠીત થઈને પુરી તાકાતથી વધુને વધુ ઉત્પાદન લઈ શકે છે. વિદેશમાં કોન્ટ્રાકટ ફાર્મિંગનું ચલણ ખુબજ વધુ છે. અત્યાર સુધી ભારતમાં આ મુદ્દે યોગ્ય જાગૃતિ નહોતી પરંતુ હવે સરકારના પ્રયાસોના કારણે કોન્ટ્રાકટ ફાર્મિંગને વેગ મળશે તેવી અપેક્ષા છે.
ખેડૂતો હવે કોઈપણ સ્થળે વધુ કિંમત આપનારને વસ્તુ વેંચી શકશે. આ કેન્દ્રીય કેબીનેટે આવશ્યક વસ્તુ અધિનિયમના કાયદામાં ઐતિહાસિક સંશોધનને મંજૂરી આપી દીધી છે. ગઈકાલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોના પરિણામે નિકાસકાર, પ્રોસેસર અથવા ઉત્પાદક તેની કૃષિ ઉપજ પર પણ સમજૂતી હેઠળ વેંચવાની સુવિધાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી પુરવઠા ચેઈનને પણ ફાયદો થશે. બીજી તરફ સરકારે લીધેલા સુધારાના પગલાના કારણે કૃષિ સેકટરમાં સ્થાનિક રોકાણકારો તેમજ વિદેશી મુડી રોકાણકારો પણ આકર્ષાશે.
હવે ખેડૂતો અને વેપારી વચ્ચે અગાઉથી જ નક્કી થયેલા ભાવ મુજબ ખરીદી થઈ શકશે. આ પ્રકારની સુવિધાથી ખેડૂતને ગેરંટી રિટર્ન મળશે. ખેડૂતની આવક વધશે. સરકારના સંશોધન મુજબ કોન્ટ્રાકટ ફાર્મિંગને વેગ મળશે. જે મુજબ સ્પોન્સર અને ખેડૂત વચ્ચે એક નક્કી થયેલા ભાવ મુજબ કરાર થશે. કોઈપણ પરિસ્થિતિમાં ખેડૂતને ભાવ મળી જશે અને સામાપક્ષે ખેડૂતને સ્પોન્સરના નિયમોનું પાલન કરવું પડશે. આ પ્રકારની વ્યવસ્થાથી મુડી રોકાણકારો આકર્ષાશે તેવું સરકારનું માનવું છે. લાંબા સમયથી એપીએમસીના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ન હતા. એપીએમસીના રાજકારણને કારણે ખેડૂતોને હેરાનગતિ થતી હતી પરંતુ હવે કેન્દ્ર સરકારે એપીએમસીનો કાંટો કાઢી નાખ્યો છે. ખેડૂત પોતાની અનુકુળતા મુજબ કોઈપણ ખુણે માલનું વેંચાણ કરી શકે છે. આ વેંચાણ માટે અવરોધરૂપ લાયસન્સ પ્રથાને પણ સરકારે જડમુળથી ઉખાડી નાખી છે. કેન્દ્ર સરકારે કરેલા સુધારાના પગલે આગામી વર્ષોમાં ભારતમાં વિશ્ર્વના મસમોટા મુડી રોકાણકારો કૃષિ સેકટરમાં ઝંપલાવવા ઈચ્છશે. આવશ્યક વસ્તુઓના અધિનિયમમાંથી અમુક વસ્તુને બાકાત રાખવામાં આવતા ખેડૂતોને ફાયદો થશે. હવે હોલસેલર, મોટા રિટેલર કે નિકાસકારને અગાઉથી જ નક્કી કરેલા ભાવ મુજબ ખેડૂત પોતાની ઉપજ આપી શકશે. એક રીતે વાયદા બજારની પધ્ધતિથી ખેડૂત અને ખરીદનાર વચ્ચે કરાર થશે. આ વ્યવસ્થાથી લાંબાગાળે સકારાત્મક અસર જોવા મળશે.
એપીએમસીસહિતના વચેટીયાઓ હટાવી દેવાશે
કેન્દ્ર સરકારે અસેન્સીયલ કોમોડીટી એકટમાં ઐતિહાસિક સંશોધનને મંજૂરી આપવાની સાથે એગ્રીકલ્ચર પ્રોડ્યુટર માર્કેટ કમીટી (એપીએમસી)ના બંધનોમાંથી ખેડૂતને મુક્ત કરી નાખ્યા છે. દેશ વન નેશન વન માર્કેટ તરફ આગળ વધ્યો છે. ખેડૂત હવે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેને પોતાની જણસ વેંચી શકશે. એપીએમસી સહિતના વચેટીયાઓની જરૂર ખેડૂતને રહેશે નહીં. મુક્ત વ્યાપાર માટે સરકારે આ પગલુ ખુબજ અસરકારક નિવડશે. વર્ષોથી એપીએમસીમાં ચાલ્યા આવતા રાજકારણના કારણે ખેડૂતોને ભોગ બનવું પડતું હતું. ખેડૂતોની આવકમાં ક્યાંકને ક્યાંક એપીએમસીનું રાજકારણ પણ અસર કરતું હતું. આ ઉપરાંત પરવાના પ્રથાના કારણે ખેડૂતોને ચોક્કસ જગ્યાએ જ પોતાની જણસ વેંચવાની મજબૂરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે લીધેલા પગલા હવે ખેડૂતને અનેક બંધનમાંથી મુક્ત કરી દેશે.
હવે ખેત પેદાશની ખરીદીમાં પરવાના પ્રથા નાબૂદ
દેશના મોટાભાગના વેપાર-ઉદ્યોગ કે સેવાઓના પુરતા વિકાસ ન થવાનું કારણ પરવાના પ્રથા રહી છે. પરવાના પ્રથાના કારણે કૃષિ સેકટરમાં ખેડૂતોને માલ ચોક્કસ જગ્યાએ વેંચવા માટે મજબૂર બનાવે છે. અમુક વેપારીઓ પાસે જ પરવાના હોવાથી ખેડૂતો પાસે વધુ વિકલ્પ રહેતા નથી. આ ઉપરાંત પરવાના વગર કામ કરવા ઈચ્છતા વેપારીઓના હાથ પણ બંધાઈ ગયા હોય છે. આવી સ્થિતિમાં સરકારે પરવાના પ્રથા નાબૂદ કરવા તરફ વધુ એક ડગલુ ભર્યું છે. ખેડૂતોને હવે માત્ર પરવાનો ધરાવનાર વેપારીને જ માલ વેંચવાની મજબૂરી નથી. ખેડૂત ગમે તેને માલ વેંચી શકે છે. તેવી જ રીતે ગમે તે વ્યક્તિ ખેડૂત પાસેથી માલ ખરીદી શકે છે.