સાત દિવસમાં માંગ નહીં સંતોષાય તો કલેકટર કચેરીએ સામુહિક ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી
આગામી વિધાનસભાની ચુંટણીને લક્ષમાં રાખીને સરકાર દ્વારા ફિકસ પગારદારો, આંગણવાડી વર્કર, આશા વર્કરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગ, માનદ વેતન, લઘુતમ વેતન, રોજમદાર અને સફાઈ કામદારોની વર્ષોથી પડતર એવી કાયમી કરવાની અને યોગ્ય વેતન આપવાની માંગણીઓ ના સિવકારાતા આ કર્મચારીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. કર્મચારીઓ માટે લાંબા સમયથી લડત ચલાવી રહેલ કોન્ટ્રાકટ અને ફિકસ પગાર સંઘર્ષ સમિતિએ આ કર્મચારીઓને ન્યાય અપાવવા સરકાર સામે લડતનું બ્યુગલ ફુંકી દીધું છે જે અન્વયે આજે સમિતિ દ્વારા માસ સીએલ અને કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે આજે મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉપસ્થિત રહીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ગુજરાત સરકારી કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ, માનદ વેતન, લઘુતમ વેતન, રોજમદાર જેવી યુવાનોને આર્થિક અસ્પુશ્ય બનાવતી શોષણભરી નીતિઓની ટીકા કરતા કોન્ટ્રાકટ અને ફિકસ પગાર સંઘર્ષ સમિતિના પ્રમુખ રજનીકાંત સોલંકીએ જણાવયું કે, સરકાર દ્વારા આ યુવાનોનું લગાતાર શોષણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા ધમકીઓ આપી ગજા બહારનું કામ કરાવવામાં આવી રહ્યું છે.જો કોઈ કર્મચારી પોતાના હક માટે અવાજ ઉઠાવે તો એને નોકરીમાંથી છુટો કરી દેવામાં આવે છે. તેમજ સાથ આપનાર કર્મચારીઓના કરાર રિન્યુ કરવામાં આવતા નથી. આથી અમે આ કર્મચારીઓને સમાન કામ સમાન વેતનની સાથે ૫૮ વર્ષ સુધી જોબ સિકયોરીટી આપવાની પણ માંગણી કરી છે અને જો દિન સાતમાં અમારી તમામ માંગણી નહીં સંતોષાય તો આગામી તા.૧૮ તમામ કર્મચારીઓ દરેક જિલ્લાની કલેકટર કચેરીએ સામુિહક ભુખ હડતાલ પર ઉતરશે આ દરમિયાન સામાન્ય જનતાના કામો અટવાશે તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.વધુમાં તેઓએ કર્મચારીઓની માંગ વિશે જણાવ્યું હતું કે, સમાન કામ સમાન વેતન મુજબ વેતન ચુકવવામાં આવે, રેગ્યુલર મહેકમની ભરતી પ્રક્રિયામાં જે તે પોસ્ટ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ કર્મચારીઓને પ્રાથમિકતા અપાઈ, કોન્ટ્રાકટ કર્મચારીઓને ૫૮ વર્ષ સુધી નોકરીની બાંહેધરી આપી જોબ સિકયોરીટી મળે, કર્મચારીઓને સરકાર હસ્તક લઈ લેવા, વર્ગ-૪ની કાયમી ભરતી પુન:જિવિત કરી પછાત વર્ગોના યુવાનોને કાયમી રોજગારી અપાઈ, કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ વેતન ચુકવાઈ, લઘુતમ વેતન ધારાનો ગુજરાતમાં ચુસ્તપણે અમલ થાય.