આવતીકાલે પણ ઝાકળ પડશે
ફ્લાઇટ ત્રણ કલાક મોડી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે જોરદાર ઝાકળ વર્ષા થવા પામી હતી આવતીકાલે પણ ઝાકળ પડે તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબીલીટીમાં તોતીંગ ઘટાડો નોંધાવાના કારણે હવાઈ સેવા પર અસર થવા પામી હતી. વહેલી સવારે મુંબઈ અને દિલ્હીથી રાજકોટ આવતી ફલાઈટને ઝાકળના કારણે અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી ઝાકળના કારણે સવાર ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો.
શિયાળાની સીઝનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જયારે બપોરે ઉનાળા જેવા તડકાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી જોરદાર ઝાપળ વર્ષા થઈ રહી છે. હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા નોંધાયું હતુ સવારે ૮.૩૦ કલાકે તાપમાનનો પારો ૧૮.૬ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા નોંધાયું હતુ ગઈકાલનું મહતમ તાપમાન ૩૪ ડિગ્રીરહેવા પામ્યું હતુ હજીતો ઉનાળાનો સત્તાવાર આરંભ પણ થયો નથી ત્યાં તાપમાનનો પારો ૩૪ ડિગ્રીએ પહોચી જતા આ વખતે ઉનાળામાં માથુ ફાટી જાય તેવા આકરા તડકા પડે તેવા એંધાણ મળી રહ્યા છે.
હવામાન વિભાગનાં સુત્રોએ વધુમાં ઉમેર્યું હતુ કે, આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાનાં કારણે રાજકોટમાં હવાઈ સેવા પર અસર પડી હતી. સવારે રાજધાની નવી દિલ્હીથી રાજકોટ અને મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટ ગાઢ ધુમ્મસના કારણે પરતી વિઝિબીલીટી ન હોવાના કારણે અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આજે ઝાંકળના કારણે વિઝિબિલીટી માત્ર ૫૦૦ મીટર જ હતી અર્થાત ૫૦૦ મીટરથી દૂરનું કશુ જ જોઈ શકાતું નહતુ.
સૂર્યોદય બાદ વાતાવરણ સંપૂર્ણપણે કલીયર થયા બાદ અમદાવાદ ખાતે ડાયવર્ટ કરાયેલી દિલ્હી અને મુંબઈની ફલાઈટ રાજકોટ એરપોર્ટપર આવી હતી. બંને ફલાઈટસ નિર્ધારિત સમય કરતા અંદાજે ત્રણ કલાકથી પણ મોડી રાજકોટ એરપોર્ટ પર આવતા મુસાફરોમાં દેકારો બોલી ગયા હતા. હાલ શિયાળાના દિવસો અંતિમ ચરણોમાં છે. ત્યારે પવનની દિશામાં ફેરફાર થવાના કારણે ઝાકળ વર્ષા થઈ રહી છે. આવતીકાલે પણ સવારે ઝાકળ પડે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આગામી એકાદ સપ્તાહ બાદ શિયાળાની અસર સંપૂર્ણ પણે ઓસરી જશે. ગુલાબી ઠંડીનો અહેસાસ પણ નહી વર્તાય અને ઉનાળાનો વિધિવત આરંભ થઈ જશે.