કોવિડ હોસ્પિટલમાં શહેરના ૮, ગ્રામ્યનાં ૭ અન્ય જિલ્લાનાં ૨ દર્દીઓએ સારવારમાં દમ તોડયો

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા રાજયનાં આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ અને રાજય સરકારનાં પાંચ તબીબોની કોર ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. રાજકોટમાં ગઈકાલે ૮૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે આજ બપોર સુધીમાં વધુ ૪૫ પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૩૩૪૨ ઉપર પહોંચી છે. જયારે વધુ ૪૫ લોકોએ કોરોનાને મ્હાત આપતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટની જુદી-જુદી કોવિડ હોસ્પિટલમાં શહેરનાં ૮, ગ્રામ્યનાં ૭ અને અન્ય જિલ્લાનાં ૨ દર્દીઓએ સારવારમાં દમ તોડયો છે.

રાજકોટમાં કોરોના સંક્રમણ વાયુવેગે ફેલાવવા લાગ્યું છે. સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડીંગમાં દર્દીઓ ઉભરાતા પરિસ્થિતિ અતિગંભીર બની છે. રાજકોટમાં દરરોજ સરેરાશ ૭૫ થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે કરવામાં આવેલા ટેસ્ટમાંથી સાંજ સુધીમાં ૮૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે આજરોજ બપોર સુધીમાં વધુ ૪૫ લોકો કોરોનાની ઝપટે ચડી ચુકયા છે ત્યારે શહેરી વિસ્તારમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૩૪૨ ઉપર પહોંચી છે.  કોરોના રાજકોટ શહેરમાં બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સૌરાષ્ટ્રભરના ગામોમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે ત્યારે  રાજકોટની તમામ કોવિડ હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી ઉભરાઈ રહી છે જેની સામે મૃત્યુના પણ આંકડાઓ વધી રહ્યા છે. ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ શહેરનાં ૮, ગ્રામ્યનાં ૭ અને અન્ય જિલ્લાનાં ૨ દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન મોત નિપજયા છે.  હાલ રાજકોટ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં ૩૫૦થી પણ વધુ દર્દીઓ, ૪૦૦થી પણ વધુ પ્રાઈવેટ હોસ્પિટલોમાં અને ૭૮૧ દર્દીઓ હોમ આઈસોલેટમાં સારવાર લઈ રહ્યા છે જયારે ફેસીલીટી કવોરન્ટાઈન સમરસ હોસ્ટેલમાં ૧૭૭ અને બી-જી આયુર્વેદિક હોસ્પિટલમાં ૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સરગમ કલબનાં ચેરમેન ગુણુભાઈ ડેલાવાળા કોરોનાની ઝપટે

સરગમ કલબનાં ચેરમેન ગુણુભાઈ ડેલાવાળાની તબિયત લથડતા તેઓનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવતા આજરોજ તેમનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જે બાબતે ગુણુભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, પોતાને કોરોનાની થોડીઘણી અસર દેખાતા તબીબી સારવાર લઈ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું હતું. જે રીપોર્ટ આજે કોરોના પોઝીટીવ આવતા ગુણુભાઈ ડેલાવાળા તબીબી સારવાર હેઠળ હોમ આઈસોલેટ થયા છે. સાથે છેલ્લા કેટલાક દિવસોમાં સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કવોરન્ટાઈન થવા અપીલ કરી છે.

વિરપુરનાં પત્રકારનું કોરોનાની સારવાર દરમિયાન મોત

રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન વધતા જતા કોરોનાનાં દર્દી અને મોતની સંખ્યાથી તંત્ર ભારે ચિંતામાં પડયું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસ દરેક ક્ષેત્રમાં પગપેસારો કર્યો છે ત્યારે વાયરસે અનેક પત્રકારોને પણ ઝપેટમાં લીધા છે જેમાં વિરપુરના વરિષ્ઠ પત્રકાર નવનીતલાલ નાનાલાલ ઓંધીયા પાંચ દિવસ પહેલા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં પાંચ દિવસની સારવાર મેળવવા છતાં નવનીતલાલ ઓંધીયાએ સારવારમાં દમ તોડતા પત્રકાર જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.