કોરોના કટોકટી વચ્ચે હજુ ત્રીજી લહેરની આફત લટકી રહી છે તેવા સંજોગોમાં ગુજરાતની પરિસ્થિતિ દિવસે દિવસે સુધરતી જાય છે અને ગુજરાત સામા પવને ચાલતુ હોય તેમ કોરોનાના કેસનો આંકડો 4 લાખને પાર કરી ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં રિકવરી રેટની રફતાર વધવા લાગી છે. ગુજરાતે જાણે કે કોરોનાને હંફાવી દીધું હોય તેમ રિકવરી રેટમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. વકરતા કોરોનાની સ્થિતિમાં દેશ અને દુનિયાની સાપેક્ષમાં ગુજરાત સામાપુરે ચાલતું હોય તેમ એક તરફ દેશના વિવિધ રાજ્યોમાં વધતા કેસો ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ગુજરાતમાં દર્દીના સાજા થવાના દરમાં ઉછાળો આવ્યો છે. તેની સાથે સાથે દર્દીઓમાં પ્રાણવાયુની પણ જરૂરીયાતો ઘટતી જાય છે. હોસ્પિટલો બહાર 108ની લાઈનો ટૂંકી અને નહીંવત બની ગઈ છે. જાણે કે, ત્રીજી લહેર આવે તે પહેલા જ ગુજરાત સજ્જ બની ગયું હોય તેમ આજે ગુજરાતના સ્થાપના દિને જ રાજ્યમાં 18 વર્ષથી ઉપરનાના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સામે સુરક્ષા માટે રસીકરણ એકમાત્ર શસ્ત્ર છે ત્યારે કોરોનાથી ઉગરવા માટે રસીકરણ અભિયાન જેટલું તેજ અને અસરકારક બનાવવામાં આવશે તેટલો જ ફાયદો થવાનો છે. આ સુત્ર પર ગુજરાતે ઝડપથી ડગલા માંડ્યા છે.
આરોગ્ય તંત્ર, સ્વૈચ્છીક સંસ્થાઓ અને સેવાભાવી નિગમના ત્રિવિધ માહોલથી ગુજરાતમાં જાગૃતિ સાથે મહામારીને કાબુમાં કરવા માટે જે સહિયારા પ્રયાસો થયા છે તેના પરિણામો મળવા લાગ્યા છે. લોકોએ સામાન્ય લક્ષણો પારખીને જ હોસ્પિટલો પર નિર્ભર રહેવાના બદલે સેલ્ફ આઈસોલેશન અને ઘરમાં જ સાવચેતી સાથે ઈલાજ કરવાનું શરૂ કરી દેતા પરિણામો મળવા લાગ્યા છે. આજે 1લી મે થી ગુજરાત સરકારે પણ સમગ્ર રાજ્યના તમામ 14000 ગામો દીઠ દરેક ગામમાં 10 સભ્યોની સમીતીની રચના કરી ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’નો સંકલ્પ લેવાનું અભિયાન 1 થી 15 મે સુધી ચલાવવાના આદેશો સાથે રાજ્યમાં શહેરથી લઈને છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોના સામે માત્ર જાગૃતિ જ નહીં પરંતુ તેના ખાત્મા માટેના પ્રયાસોનો સામૂહિક માહોલ ઉભો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દરેક ગ્રામ પંચાયતમાં કોરોનામુક્ત ગામ બને તે માટે સંકલ્પ સાથે બનાવવામાં આવનારી કમીટી પ્રત્યેક્ષ રીતે સરકારી વિભાગો સાથે સંકલનમાં રહીને સંક્રમણ ઓછુ થાય તે માટે કાર્યરત થશે. ગુજરાત સમગ્ર દેશમાં કોરોના સામેની કામગીરીમાં સૌથી આગળ વિશિષ્ટ અને સારૂ પરિણામ મેળવનારૂ રાજ્ય બની રહ્યું છે. એક તરફ દેશમાં કોરોનાનો આંકડો 4 લાખને પાર થઈ ગયો છે જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ ફાસ્ટ મોડ પર આવી ચૂક્યું છે. ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ જેવા જન અભિયાનમાં આજે ગુજરાત સ્થાપના દિવસે 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું રસીકરણ અને સરકાર દ્વારા 1 થી 15 મે સુધી ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન થકી રાજ્યના પ્રત્યેક વ્યક્તિ સુધી કોરોનાની જાગૃતિ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, સામાજીક સંકલન અને સરકારના ત્રિવિધ સંકલન સાથે કોરોનાને કાબુમાં લેવા માટે જે રીતે કાર્ય ઉપાડી લેવામાં આવી છે તે પરિણામદાયી બનશે.