વર્ષ 2011માં H.S.C વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણ પ્રાપ્ત કરીને હજારો વિદ્યાર્થીઓએ એન્જિનિયરીંગની વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવ્યો. આ પ્રવેશ મેળવવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે આકરી મહેનત કરી હતી. રોજના 12-12 કલાક ટ્યુશન-વાંચન-લેખન પાછળ તેમણે ગાળ્યા હતા. H.S.Cનું અતિ મહત્ત્વનું વર્ષ હોવાથી ઘણા બધાએ હરવા-ફરવાનું, મોજશોખ, ટી.વી. – પિક્ચર છોડી દીધાં હતાં. તેમની આવી અભ્યાસની લગનીએ જ તેમને એન્જિનિયરીંગમાં પ્રવેશ અપાવ્યો.
પણ આશ્ચર્ય સાથે ચોંકાવનારી વાત એ બની કે વર્ષ-2011, ડિસેમ્બર માસમાં G.T.U.દ્વારા લેવાયેલ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં 27,263 વિદ્યાર્થીઓ નાપાસ થયા અને 10,022 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ઘણા હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓને ક્યારેય નાપાસ એટલે શું એ ખબર નહોતી, તેમને આ વખતે ખબર પડી ગઈ. આ વિપરીત પરિણામનાં કારણો પૈકી એક કારણ હતું : સતત અભ્યાસ કરવાનાં મહાવરામાં પડેલાં ધરખમ ગાબડા.
કોલેજમાં ઉપરાઉપરી પડતી રજા તેમજ કોલેજના મોકળા અને રંગબેરંગી વાતાવરણને કારણે ધો.12માં રોજરોજ ભણવાનો-વાંચવાનો જે મહાવરો હતો, તે કોલેજમાં બંધ થયો. એના લીધે મગજની કામ કરવાની શક્તિ ઘટી, બેદરકારીને આળસ પેઠી અને તેના અઘટિત પરિણામનો સ્વાદ ધણા બધાએ ચાખવો પડ્યો.
મિત્રો ! દુનિયામાં આજે એવી અનેક વ્યક્તિઓ છે કે જેમાં અપાર શક્તિ, સામર્થ્ય છે, છતાં તેઓ જીવનમાં સફળ નથી થઈ શકતી. તેનાં ઘણાંબધાં કારણો પૈકી એક મહત્ત્વનું કારણ છે, સાતત્યનો અભાવ. સાતત્ય (Continuity) ને બીજા શબ્દોમાં નિયમિતતા પણ કહી શકાય. સાતત્ય એટલે સતત કે વારંવાર કરવામાં આવતી ક્રિયા. સાતત્યથી સર્વ કામ સિદ્ધ થાય છે, તે વાતને સમજાવતા એક કહેવતમાં કહેવાયું છે કે ‘ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય.’ ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત ગઢડા પ્રથમ-23માં આ વાતને સમજાવતાં કહે છે : ‘જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ; કાં જે, આગલા દિવસનું જણ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય (ધાર) અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય.’
તલતુંબડિયા શાસ્ત્રીની વાત પણ લોકમાં પ્રસિદ્ધ છે કે પહેલાં તે સાવ ‘ઢબુનો ઢ’ હતો, પણ તેણે તુંબડી ભરીને તલ લીધા અને સંસ્કૃતનું એક રૂપ બોલે ને એક તલ તુંબડીમાં નાંખે. એમ, એક રૂપ ગોખતાં આખી તુંબડી ભરે. અભ્યાસનું આવું સાતત્ય જાળવવાથી તે મોટો શાસ્ત્રી બની ગયો.આજે માઈક્રોસોફ્ટ, રિલાયન્સ કે ઈન્ફોસીસનું નામ સાંભળીને યુવાનોને બિલ ગેટ્સ, ધીરૂભાઈ અંબાણી કે નારાયણમૂર્તિ જેવા થવાના કોડ જાગે છે, પણ ક્યારેય જાણવા પ્રયત્ન કર્યો કે તેમણે હાંસલ કરેલી સિદ્ધિનું રહસ્ય શું છે ? બિલ ગેટ્સે એક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના અનુભવનો નિચોડ રજૂ કરતાં કહ્યું હતું કે ‘તમે શાળામાંથી બહાર નીકળતાં જ વર્ષના 60,000 ડોલર કમાઈ શકવાના નથી. તમે કોઈ કંપનીના ઉચ્ચ હોદ્દેદાર બની ગાડીમાં ફરવાલાયક તરત બની નહિ જાઓ. ત્યાં સુધી પહોંચવા માટે તમારે તેને લાયક બનવું પડશે.’ એટલે કે સાતત્યપૂર્ણ પરિશ્રમ કરવો પડશે, જે તેમણે કર્યો હતો. વળી, આગળ કહ્યું, ‘જીવન એ શાળાના સત્રોની જેમ મહિનાઓમાં વહેંચાયેલું હોતું નથી તેમજ એમાં તમને ઉનાળાનું વેકેશન પણ મળતું નથી.’
43 વર્ષની નાની વયે વિશ્ર્વનો સૌથી શ્રીમંત વ્યક્તિ થનાર બિલ ગેટ્સ પોતાને સતત આગળ વધવાની પ્રેરણા મળતી રહે તે માટે પોતાની ઓફિસમાં સતત પુરુષાર્થના આદર્શસમા ત્રણ મહાપુરૂષો આઈન્સ્ટાઈન, લિયોનાર્ડ દ વીન્ચિ અને હેન્રિ ફોર્ડની તસ્વીરો રાખે છે.
બી.એ.પી.એસ. સંસ્થાની કીર્તિમાં સમયે સમયે યશકલગી ઉમેરતા રહેતા એવા પ્રમુખસ્વામી મહારાજ વર્ષો સુધી બી.એ.પી.એસ. સંસ્થાનું સુકાન સંભાળ્યું છતાં તેમણે ક્યારેય હોલી-ડે કે વેકેશન પાડ્યું નથી. એકવાર એક સંતે સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપને કોઈ મળનારૂં ન હોય ને કોઈપણ કામ ન હોય ત્યારે તમે શું કરો ?’ ત્યારે સ્વામીશ્રી તુરંત બોલ્યા : ‘ન હોય તો ઊભું કરીએ.’ એટલે જ અનેકવિધ બીમારીઓમાં પણ સતત કાર્યશીલ સ્વામીશ્રી 85 વર્ષે દિલ્હી-અક્ષરધામ તથા 91 વર્ષે સત્-ચિત્-આનંદ વોટર-શોનું સર્જન કરી શક્યા. માટે જીવનમાં સાતત્યને વરેલ માનવી જીવનની કોઇ પણ ઉંમરે સફળતા મેળવી શકે છે.
રોકેટના લોન્ચિંગ વખતે જરૂરી પ્રમાણમાં સતત ઇંધન ન મળે તો? તે હેઠું પડે. કાર કે બાઇકના એન્જિનને સતત મળતાં પેટ્રોલમાં એર કે કચરો આવી જાય તો? ડચકાં ખાય. જેમ એમાં ઇંધણનો સતત પ્રવાહ વહેતો રહેવો જોઇએ, તેવી રીતે જીવનમાં પણ પ્રગતિ પામતા સતત મંડ્યા રહેવું પડે. તો ચાલો મિત્રો ! આપણે પણ આજથી સાતત્ય જાળવવા માટે કટિબદ્વ થઇએ અને આ સાતત્યથી સફળતામાં સાતત્ય પામીએ…