હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.સુરતમાં બીજા દિવસે મેઘરાજાની મહેર હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન વહેલી સવારથી જ સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થઈ ગયું હતું. જેમાં સૌથી વધુ વરસાદ રાંદેરમાં 49 મીમી નોંધાયો હતો. જ્યારે આજે પણ મેઘરાજાએ ઉધનાને કોરું રાખ્યું હતું.
સુરત શહેરમાં ગત રોજથી શરૂ થયેલા વરસાદ આજે પણ યથાવત રહ્યો છે. વહેલી સવાર સુધી રાંદેરમાં 49 મી.મી. પડ્યો છે. જ્યારે સુરતનો સત્તાવાર વરસાદ સેન્ટ્રલ ઝોન પ્રમાણે 35 મી.મી. છે. શહેરના વરાછા ઝોનમાં 12, કતારગામ 24, લિંબાયતમાં 11 અને અઠવામાં 7 મી.મી. વરસાદ પડ્યો છે. ઉધના ઝોનમાં વરસાદ પડ્યો જ નથી. હાલમાં દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક સરેરાશ કરતા 60થી 90 ટકા વરસાદ ઓછો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. તો સુરત શહેરના સાત ઝોનમાં ઉધના ઝોનને કોરું રાખ્યું છે. જ્યારે સુરત જિલ્લામાં માંગરોળમાં 30, ઓલપાડમાં 4, કામરેજમાં 3 મી.મી. વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલી, ચોર્યાસી, માંડવી અને પલસાણા વરસાદ નોંધાયો નથી.
સાપુતારાના વઘઈમાં છેલ્લાં 24 કલાકમાં 64 મિ.મી. પડ્યો છે. જ્યારે સાપુતારામાં 24 અને આહવમાં 20 મિ.મી. વરસાદ પડ્યો છે. ખેરગામમાં 10 અને વાંસદામાં 6 મિ.મી. વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગરહવેલીમાં વધુ વરસાદ પડી શકે છે.