આજે સાંજ સુધી બાયોડેટા સ્વીકારાશે: જિલ્લાની ચાર બેઠકો માટે પણ 43 નેતાઓમાં ચૂંટણી લડવા થનગનાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે બે મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તાથી વંચિત કોંગ્રેસે આ વખતે ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે એડીચોંટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના પ્રતિક પરથી ચુંટણી લડવા ઇચ્છુક નેતાઓના છેલ્લા એક સપ્તાહથી બાયોડેટા લેવામાં આવી રહ્યા છે. આજે સાંજ સુધી બાયોડેટા સ્વિકારવામાં આવશે. રાજકોટની ચાર બેઠકો માટે કોંગ્રેસમાં 46 મુરતિયાઓ મેદાનમાં ઉતાર્યાં છે. જ્યારે જિલ્લાની પણ ચાર બેઠકો માટે 43 લોકોએ દાવેદારી નોંધાવી છે.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરિયા પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ શહેરની અલગ-અલગ ચાર વિધાનસભાની બેઠકોમાં કોંગ્રેસના પ્રતિક એવા પંજા પરથી ચૂંટણી લડવા માટે આજે બપોર સુધીમાં 46 લોકોએ દાવેદારી નોંધાવી છે. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે 13 નેતાઓએ ઇચ્છા વ્યક્ત કરી છે. જેમાં પ્રદેશ આગેવાન અશોકભાઇ ડાંગર, મહેશ રાજપૂત, વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, દિનેશભાઇ મકવાણા સહિતના ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. જ્યારે 69-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભાની બેઠક માટે ગોપાલભાઇ અનડકટ, અતુલભાઇ રાજાણી અને મનસુખભાઇ કાલરિયા સહિત કુલ 6 ઉમેદવારોએ દાવેદારી કરી છે. 70-રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠક માટે ડો.હેમાંગ વસાવડા, હિતેશ વોરા, મિતુલ દોંગા અને ગોપાલ અનડકટ સહિત કુલ 8 દાવેદારો છે. 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા માટે સુરેશ બથવાર, હિમ્મત માયાત્રા, અશોક વાળા, રવજી ખીમસુરીયા, શાંતાબેન મકવાણા, પ્રવિણ ચૌહાણ, ગોવિંદ વઘેરા, હર્ષદ મકવાણા, બિજલ મકવાણા, માવજીભાઇ રાખશીયા, રમેશ મુંછડીયા, નરેશ સાગઠીયા, નરેન્દ્ર સોલંકી, હિરાભાઇ સાગઠીયા, હેમલ દાફડા અને મગન રાઠોડ સહિત 19 દાવેદારો છે.
જ્યારે રાજકોટ જિલ્લાની 72-વિછીંયા-જેતપુર વિધાનસભા બેઠક માટે ભોળાભાઇ ગોહિલ, અવસર નાકીયા, વિનુભાઇ ધડુક, રણજીત ગોહિલ, વિનુભાઇ મેણીયા, પ્રવિણ ગાબુ, વિપુલ બાવળીયા, ધીરજ શિંગાળા, અરવિંદ તલસાણીયા, મનસુખ સાકરીયા, ડો.મનસુખ ઝાપડીયા, સુરેશ ગીડા, અમરસિંહ ચૌહાણ, ધીરૂભાઇ ખોખરીયા, ધીરૂભાઇ છાયાણી સહિત 15 ઉમેદવારોએ દાવેદારી કરી છે. જ્યારે 73 ગોંડલ વિધાનસભા બેઠક માટે લલીત પટોડીયા, આશિષ કુંજડીયા, યતીશ દેસાઇ, કિશોરભાઇ વીરડીયા, દિપક પટેલ, નિમેષ રૈયાણી, સંદીપ હિરપરા, બાપાલાલસિંહ ચુડાસમા, ધર્મેશ બુટાણીયા, 74-જેતપુર-કંડોરણા વિધાનસભા બેઠક માટે કિરીટ પાનેલીયા, દિપક વેકરીયા, દેવેન્દ્ર વઘાશિયા, દિપક પટેલ, અનિકેત બાવીશા, ભાવેશ હિરપરા, નરેન્દ્ર પટેલ, ચેતન ગઢીયા, ગોવિંદ ડોબરીયા અને શારદાબેન વેગડા જ્યારે ઉપલેટા-ધોરાજી બેઠક માટે દેવેન્દ્ર ધામી, લાખાભાઇ ડાંગર, ભાવનાબેન ભૂત, પ્રવિણ દલસાણીયા, જેઠાભાઇ આહિર, વલ્લભ બલવા, નારણભાઇ સેલાણા, ભગવાનભાઇ બાબરીયા અને ડો.ઉર્વશીબેન પટેલે દાવેદારી રજૂ કરી છે. આજ સાંજ સુધી હજુ દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરી શકશે. આવામાં દાવેદારોની સંખ્યા વધે તેવી સંભાવના જણાઇ રહી છે.
દરમિયાન આગામી રવિવારના રોજ સવારે 11:00 કલાકે ઉમેદવારોના નામની બેનર બનાવવા અને ઉમેદવારો નક્કી કરવા સહિતના નિર્ણયો માટે પ્રદેશના આગેવાનોએ એક મહત્વપૂર્ણ બેઠક મળશે. દરમિયાન રવિવારે સાંજે જ સ્ક્રિનિંગ કમિટીની પણ મહત્વપૂર્ણ બેઠક મળનાર છે.