ગુરૂજન સોસાયટી શેરી નં.6માં દૂષિત પાણી પ્રશ્ર્ને લોકોના ટોળા થયા એકઠાં: કોર્પોરેટર અને અધિકારીઓ દોડી ગયા: નળ નહીં પરતું ભૂગર્ભનું પાણી દૂષિત હોવાનું તારણ

મેયર ડો.પ્રદિપ ડવના મતવિસ્તાર એવા વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં દૂષિત પાણીના કારણે 45 લોકો ઝાડા-ઉલ્ટીના રોગમાં સપડાયા છે. અહીં ભૂગર્ભ જળ અને કોર્પોરેશન દ્વારા અપાતા પાણીના 4 સેમ્પલ પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જોખમી બેક્ટેરિયા મળી આવ્યા હતા. દરમિયાન મેયર બાદ શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાના વોર્ડમાં પણ દૂષિત પાણીનો પ્રશ્ર્ન ઉભો થયો છે. આજે સવારે વોર્ડ નં.17માં કોઠરિયા રોડ પર આવેલી ગુરૂજન સોસાયટીના લોકો દૂષિત પાણી પ્રશ્ર્ને એકઠાં થયા હતાં. તંત્ર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ભાજપના કોર્પોરેટર અને મહાપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે શહેરના વોર્ડ નં.17માં કોઠારીયા રોડ પર ભવનાથ મંદિર પાસે ગુરૂજન સોસાયટી શેરી નં.6માં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોય આજે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. દૂષિત પાણી પીવાના કારણે મેયરના વોર્ડમાં 45 જેટલા લોકો ઝાડા-ઉલ્ટીના સંકજામાં સપડાયા બાદ શહેરના અન્ય કોઇ વિસ્તારમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર સાબદુ થઇ ગયું છે.

ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી અને વોર્ડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. જો કે, લતાવાસીઓએ એવો ખુલાસો કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા નળ વાટે અપાતું પાણી દૂષિત કે ડહોળુ હોતુ નથી પરંતુ બોરનું અર્થાત ભૂગર્ભનું પાણી દૂષિત હોય છે. કોઇ જગ્યાએ ડ્રેનેજની લાઇન તૂટી હોવાના કારણે તે પાણી જમીનમાં ઉતરે છે જેના કારણે આ સોસાયટીની એક શેરીમાં બોરમાંથી અત્યંત દૂષિત તથા દુર્ગંધ મારતું પાણી આવે છે. આ સંદર્ભે શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાએ અધિકારીઓ તાત્કાલીક પ્રશ્ર્નનું નિરાકરણ માટે કડક તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.