ગ્રાહકો પાસેથી એન્ટ્રી માટે રૂા ૧૦૦ અને ૨૫૦ પડાવી ફ્રી શોપીંગના નામે ગ્રાહકોને આકર્ષીક કરવાનું ષડયંત્ર: કૌભાંડ સામે તંત્ર હરકતમાં, આડેધડ પાકીંગથી ટ્રાફીક જામની સમસ્યા
શહેરના ધરમ સિનેમાં પાસે બ્રાન્ડ ફેકટરી રેડીમેઇડ કપડાના શોરૂમમાં શરૂ કરાયેલી લોભામણી સ્ક્રીમથી અનેક સાથે છેતરપિંડી થઇ રહ્યાની ફરિયાદ ઉઠી છે. બ્રાન્ડના નામે આકર્ષિત થયેલા ગ્રાહકો નારાજગી સાથે છેતરાયાની રાવ સાથે જાહેર કરાયેલી બ્રાન્ડેડ ચિજવસ્તુના બદલે અનબ્રાન્ડેડ હોવાના આક્ષેપ સાથે શોરૂમમાંથી બહાર આવી બળાપો કાઢયો હતો.
ધરમ સિનેમા પાસે આવેલા બ્રાન્ડ ફેકટરી રેડીમેઇડ કપડા, શૂઝ અને બેગ સહિત તમામ ચિજવસ્તુ બ્રાન્ડેડ હોવાનું જાહેર કરી ડીફેકટીવ ચિજવસ્તુ ધાબડવાનો પ્રયાસ માટે સેલના સંચાલકો દ્વારા ગ્રાહકનોને છેતરવા લોભામણી સ્ક્રીમ તૈયાર કરી છે.
આજા ફસાજા જેવી સ્ક્રીમમાં રૂા.૫ હજારની ખરીદી પર રૂા.૨ હજાર ચુકવી તેના પણ ખરીદી વાઉચર આપવાની છેતરામણી જાહેરાતથી અનેક ગ્રાહકો એક સાથે ઘસી જતાં સેલ સ્થળે ગતસાંજે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો વિના કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. બીજી તરફ આડેધડ પાર્કીંગના કારણે ધરમ સિનેમા આસપાસના અન્ય વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.બ્રાન્ડ ફેકટરીમાં ઇન્ટરનેશલન કંપનીના કપડા, સુઝ, ટેકશુઝ અને બેગ જેવી ચિજવસ્તુ સાવ સસ્તામાં વેચવામાં આવતી હોવાનું લલચામણી જાહેરાતથી આકર્ષિત થયેલા શહેરીજનો બ્રાન્ડ ફેકટરીની મુલાકાત લેવા દોડી ગયા ત્યારે તેમની પાસેથી એન્ટ્રીના નામે પ્રિમીયમ પાસના રૂા.૨૫૦ અને રૂા.૧૦૦ના પાસ લેવા પડયા હતા.
રૂા.૨૫૦ અને રૂા.૧૦૦ના પાસ નાછુટકે લઇને બ્રાન્ડ ફેકટરીમાં આવેલા ગ્રાહકોને ડીફેકટીવ ચિજ વસ્તુ ધાબડવા માટે પ્રયાસ થયો હતો એટલું જ નહી ગ્રાહકોએ ખરીદ કરેલી ચિજવસ્તુ મફત હોવાના ઉઠા ભણાવી રૂા.૨૦૦૦ના વાઉચર પકડાવી તે વાઉચર ફેબ્રુઆરીમાં જ ઉપયોગ કરી શકાય તેવું સમજાવ્યા બાદ કેસ નહી પણ ફેબ્રુઆરીમાં પણ રૂા.૨૦૦૦થી વધુની ખરીદી કરે તો જ વાઉચર ઉપયોગી થાય તેવી લલચામણી અને છેતરામણી સ્ક્રીમ હોવાની ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
ખરીદી પર આપવામાં આવતા વાઉચરના બદલામાં ફેબ્રુઆરીમાં રૂા.૫૦૦ની ચિજવસ્તુ, રૂા.૧૨૦૦ના ગીફટ વાઉચર અને રૂા.૩૦૦ના ફ્યુચર પે કેસ બેક આપવાનું જાહેર કરી અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યાની ઉઠેલી ફરિયાદથી તંત્ર ચોકી ઉઠયું છે અને આગામી સમયમાં બ્રાન્ડ ફેકટરી શોરૂમ દ્વારા શરૂ કરાયેલા છેતરપિંડી અને માહિતી એકઠી કરવાનું અને તેમાં વેચાતી ચિજવસ્તુ ખરેખર બ્રાન્ડેડ છે કે કેમ તેમજ ડીફેકટીવ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.