રેસકોર્સ રીંગ રોડ પર બાંધકામ સાઇટ પર મચ્છરની ઉત્પતિ જણાતા રૂ.૫ હજારનો દંડ
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે. ખુદ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા બાંધકામ સાઈટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રેસકોર્સ રીંગ રોડ પર આયકર ઓફિસની બાજુમાં એક ચાલુ સાઈટ પર મચ્છરોની ઉત્પતિ મળી આવતા રૂ.૫૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જો બાંધકામ સાઈટ પર મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં નહીં આવે તો સાઈટ સીલ કરવામાં આવશે તેવી ચીમકી ખુદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે આજે ટાઉન પ્લાનીંગ વિભાગને તમામ બાંધકામ સાઈટ ચેક કરવા આદેશ આપ્યો છે. સ્થળ પર જો મચ્છરની ઉત્પતિ જણાય તો દંડ કરવો અને વારંવાર ચેકિંગ દરમિયાન મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાનું માલુમ પડે તો બાંધકામ પરવાનગી રદ કરવા સુધીનાં પગલા લેવાનાં આદેશ આપવામાં આવ્યા છે. આજે શહેરમાં ડેન્ગ્યુનાં વધુ ૨૦ કેસો મળી આવતા કુલ આંક ૪૧૮ પહોંચ્યો છે. વન-ડે, થ્રી વોર્ડ અંતર્ગત આજે વોર્ડ નં.૧૪, ૧૬ અને ૧૧માં ફોગીંગ કરવામાં આવ્યું હતું. શહેરનાં આરએમસી આવાસ, ગોવિંદ રત્ન, પોપટપરા, પંચનાથ મેઈન રોડ, પુનિતનગર, જલારામ, ગીતાંજલી સોસાયટી, જંકશન પ્લોટ, ઉદયનગર, લાલપરી, આર્યનગર, મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ, ભગવતીપરા, સીતારામ સોસાયટી, રેલનગર, ડી.જી.હોસ્ટેલ, વૈશાલીનગર અને રાધીકા પાર્કમાંથી ડેન્ગ્યુનાં ૨૦ કેસો મળી આવ્યા છે. આજે શહેરનાં ૩ વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા જયાં અરજદારોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.