કોર્પોરેશન નિર્મિત ‘રામ વન’ ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરતા મુખ્યમંત્રી
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત ‘રામ વન’ અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં શહેરીજનોને રામવનની સુંદર ભેટ મળેલ છે. જે અભિનંદનને પાત્ર છે. રામવનની ભેટ મળવાથી લોકોનો આનંદ બેવડાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ સંતુલિત વિકાસ કામો કર્યા છે. આઝાદીના અમૃત મહોત્સવમાં શહેરમાં સિમેન્ટ કોંક્રીટના જંગલ વચ્ચે અર્બન ફોરેસ્ટ ઉભું કરી છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વરના સુત્રને સાર્થક કર્યું છે.
ગુજરાત સરકાર આ બાબતે અર્બન ફોરેસ્ટ નિર્માણ કરી રહી છે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષને ધ્યાનમાં રાખી 75 અમૃત સરોવર બનાવવાનો પ્રારંભ કરેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ થાય અને પ્રદુષણ ઘટે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ચાલુ તહેવારના દિવસોમાં રામવનનું લોકાર્પણ થયું તે ખુબ આનંદની વાત છે. શહેરમાં કોંક્રીટના જંગલો વધતા જાય છે ત્યારે તેની વચ્ચે અર્બન ફોરેસ્ટ ઉભું કરવામાં આવેલ છે. તે ખુબ જ સારી બાબત છે. સને 2019માં રામનવમીના દિવસે અયોધ્યા ખાતે રામમંદિરનું ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ તે જ દિવસે રાજકોટ ખાતે અર્બન ફોરેસ્ટનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે તેને મર્યાદા પુરષોતમ રામના નામ સાથે જોડી રામવન નામકરણ કરવામાં આવેલ. ભગવાન રામએ એકતા અને શ્રધ્ધાનું પ્રતિક છે. રાજકોટ મહાનગરપાલિકા હમેશા નવી વ્યવસ્થા અને નવો ચીલો પાડતું આવ્યું છે. કોંક્રીટના જંગલો વચ્ચે કુદરતી વન ઉભું કર્યું છે.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતુ કે, રામવનના લોકાર્પણથી ભગવાન રામની યાદો રાજકોટ શહેરમાં જોડાઈ છે. રામવનના લોકાર્પણથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાંથી લોકો મુલાકત લેશે તેવો મને વિશ્વાસ છે.
શહેરમાં પ્રદુષણ ઘટે તે માટે અગાઉ 23 બસોનું લોકાર્પણ કરવામાં આવેલ અને આજરોજ વિશેષ 23 બસોનું લોકાર્પણ થનાર છે. આગામી ટુંક સમયમાં ત્રણ બ્રિજનું લોકાર્પણ થશે.
47 એકર જમીનમાં કુલ રૂપિયા 18.06 કરોડના ખર્ચે આ રામવન અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં ભગવાન શ્રી રામનાં જીવન ચરિત્ર પર આધારિત વિવિધ પ્રતિકૃતિઓ મુકવામાં આવેલ છે સાથે સાથે 80,000 જેટલી પ્રજાતિના 25 જેટલા બ્લોકમાં પ્લાન્ટેશન કરવામાં આવેલ. જે પૈકી 2 બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
ઉપરાંત રાશી વન, કુલ 15,900 ચો.મી.ના 2 તળાવો, ચિલ્ડ્રેન પ્લે ગ્રાઉન્ડ, આઠ ગઝેબો, બે વોચ ટાવર, 150 ની કેપેસિટીનું એમ્ફીથિયેટર, રામ સેતુ અને એડવેન્ચર બ્રિજ વિગેરે સુવિધા ઉપલબ્ધ રહેશે
80 ફુટ રોડ ખાતે રૂ. 11.63 કરોડના ખર્ચે 15,200 ચો.મી.માં 50 ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ. આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું ઇંઝ વીજ કનેક્શન, 2500 વોટના 2 ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે.
રાજકોટ શહેરની જાહેર પરિવહન સેવા માટે ઈ-મોબિલીટી (ઇલેક્ટ્રિક બસ) ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર ના એકમ Department of Heavy Industries (DHI) ની ફ્રેમ ઇન્ડિયા ફેઇઝ-2 અંતર્ગત પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસ જયારે બીજા તબક્કામાં 100 મીડી ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવેલ, પ્રથમ તબક્કાની 50 ઇલેક્ટ્રિક બસ પૈકી અગાઉ 23 બસનું લોકાર્પણ કરવામાં આવેલ છે.
આ ઇલેક્ટ્રિક બસો BRTS રૂટ તથા AIIMS ના રૂટ પર ચલાવવામાં આવે છે. આજે અન્ય 23 મીની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવશે. આ બસોમાં કુલ 27 મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા, ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વાર, ઇમરજન્સી દ્વાર, GPS Tracking System, મુસાફરોની સલામતી માટે SOS Emergency Alarm ની સુવિધા, કેમેરા, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ, ફાયર સેફ્ટી, મેડીકલ કિટ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.
રૂ. 15.71 કરોડના ખર્ચે વોર્ડ નં. 15, 17, 18માં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, રૂ. 80 લાખના ખર્ચે વોર્ડ નં. 14માં ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલ સેલની લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવશે.
રૂ. 1.48 કરોડના ખર્ચે વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 4માં વોર્ડ ઓફીસ, રૂ. 3.66 કરોડના ખર્ચે રેલનગર વિસ્તારમાં રોડ વર્ક અને ESR તથા રૂ. 80 લાખના ખર્ચે વોર્ડ નં. 2માં બજરંગવાડી ખાતે આરોગ્ય કેન્દ્ર બનાવવાનું ખાતમુર્હુત કરવામાં આવશે.