કોઠારીયા ગામે કામાખ્યા ધામમાં બુધવારથી ત્રિ-દિવસીય અભૂતપૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: સામૈયા, શોભાયાત્રા, પૂજન-અર્ચન, હોમહવન, ધ્વજારોહણ, મૂર્તિ સ્થાપન સહિતના કાર્યક્રમોમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનો
દેશ અને દુનિયામાં પ્રસિધ્ધ એવા પૂર્વ ભારતનાં કામ‚દેશ તરીકે જાણીતા બંગાળના આસામ ખાતે આવેલ શ્રી માં કામખ્યા માતાજીના મંદિર જેવું જ મંદિર ગુજરતામાં સૌ પ્રથમ રાજકોટ ખાતે કોઠારીયા ગામ ખાતે બની ગયું છે. અને તા.૧૭/૧૮/૧૯ એપ્રિલ બુધવાર, ગૂરૂવાર, શુક્રવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર છે.
૫૧ શકિત પીઠ પૈકી ૧૮મું શકિત પીઠ તરીકે સ્થાન ધરાવતું શ્રી માં કામખ્યા મંદિર ટ્રસ્ટની પરમિશન સાથે રાજકોટ ખાતે રણુજામંદિર સામે લાપાસરી રોડ, કોઠારીયા ગામ રાજકોટ ખાતે માતાજીનું મંદિર બની રહ્યું છે. શ્રી કામાખ્યા ધામ પરિવાર અને ગૌ શાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણ કરવામાં આવેલ છે.તેમ અબતકની શુભેચ્છા મુલાકાતે આવલે ભાવિકોએ જણાવ્યું હતુ.
આ અંગે મંદિરના પુજારી શાસ્ત્રી વિશાલભાઈ જાની તેમજ ટ્રસ્ટીઓ આનંદભાઈ હાપલીયા, અંકુરભાઈ હાપલીયા, વિનુભાઈ, પ્રતિક જાનીના જણાવ્યા પ્રમાણે આ શકિત પીઠ મંત્ર તંત્ર અને યોગમાં આગવું સ્થાન ધરાવે છે. અને ઉપાશકો, તંત્રના ઉપાશકો, સાધુ સંતો, યોગીઓનો મુખ્ય મંદિર ખાતે જમાવડો રહે છે. મૂળ પીઠથી જલ, માટી અને વસ્ત્ર લઈ આવવામા આવેલ છે અને તેનું અહી મંદિર પૂજન અર્ચન મૂર્તિ સાથે સ્થાપન કરવામાં આવશે. અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
નિલાંચન પર્વતની માટી લાવવામાં આવી છે. ઉત્સવનાં પ્રથમ દિવસે તા.૧૭ બુધવારે બપોરે ૪ વાગે સામૈયા, શોભાયાત્રા અને ધાન્યધિવાસ, દેહ શુધ્ધિ કાર્યક્રમ રહેશે. બીજા દિવસે ગૂરૂવારે તા.૧૮મીએ સવારે ૭ વાગે ગણપતિ સ્થાપન અને પૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહ શાંતિ હોમ, જલાધીવાસ, દેવિયાગ, ૧૫૧ કળશ મહા સ્નપન થશે. અને શુક્રવાર તા.૧૯મી એ નિત્ય પુજા પ્રસાદવાસ્તુ કુટીર, હોમ, દિક્ષુ હોમ, અધીર હોમ, ધ્વજારોહણ, મૂર્તિ સ્થાપન સહિતના કાર્યક્રમો રહેશે.
અહી બે એકરની વિશાળ જગ્યામાં મંદિર સાથે શ્રી કામાખ્યા માં ગૌ શાળા પણ બનાવવામાં આવી છે. જયાં છેલ્લા પાંચ વર્ષથી ગૌ સેવા કરવામાં આવે છે. ગુજરાતનું સૌ પ્રથમ મંદિર રાજકોટ ખાતે બની રહ્યું છે જે રાજકોટ માટે ગૌરવ અને આનંદની બાબત છે.ભારતમાં પણ શ્રી માં કામાખ્યાના મંદિર ઓછા છે. ત્યારે ગુજરાત સહિતના રાજયોમાંથી પણ માં કામાખ્યાનાં દર્શન માટે ભાવિકો, ભકતો આવતા થશે. આ મંદિરની મૂર્તિ પંચ ધાતુમાંથી મુરાદાબાદ ખાતે બનાવવામાં આવી છે.જેની ઉંચાઈ ૩॥સાઈઝની છે. મંદિરનું ગર્ભગૃહ ૨૧-૨૧નું છે. ભવિષ્યમાં અહી અન્નક્ષેત્રનું પણ આયોજન છે.
વધુમાં આ અંગે મંદિરના પૂજારી શાસ્ત્રી વિશાલભાઈ જાનીના જણાવ્યા પ્રમાણે તેઓ મુખ્ય શકિતપીઠ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી નિયમિતક પૂજન અર્ચન દર્શન માટે જાય છે. અને વર્ષમાં ૧૦ જ દિવસ સેવા થતી હોય, રાજકોટ ખાતે મંદિર બનાવવાની મહેચ્છા મુખ્ય મંદિર ખાતે માતાજી પાસે વ્યકત કરી હતી. અને તેના ભાગરૂપે અહી માં કામાખ્યાનું મંદિર બની રહ્યું છે. અહી મંદિરે કોઈ બલી નહી ચડાવાય માત્ર કોળાની બલી, કેળાનું સ્થંભ (પ્રસાદી તરીકે) ચડાવાશે. આ ઉપરાંત શ્રીફળ, સહિતની ચીજ વસ્તુ પણ પ્રસાદી તરીકે ધરવામાં આવશે. મંદિરમાં રોજ સવારે ૬ વાગે અને સાંજે ૭ વાગે આરતી થશે. મંદિરનો સમય સવારે ૬ થી બપોરનાં ૧૨ અને સાંજે ૪ થી ૮ નો રહેશે દર રવિવારે સાંજે ૪ વાગે ખાસ પૂજા કુશ્માંડ બલી પુજા રહેશે અને ત્યારબાદ મહાપ્રસાદ પણ ભકતોને આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫૧ શકિત પીઠ પૈકીની આ શકિત પીઠની શાસ્ત્રોમાં ખાસ વર્ણન છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરનાં લોકોને ગુજરાતભરનાં લોકોને આ મંદિરનાં ઉત્સવમાં પધારવા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વિશાલભાઈ જાની, અનિલ પટેલ, કમલેશ પટેલ, અંકુર પટેલ, સંજય આડેસરા વિગેરેએ જણાવ્યું હતુ.