ફાયનાન્સની મીટીંગમાં સ્પોર્ટસ એક્ટિવીટીના રૂ.૪૪ લાખ મંજૂર કરાયા: બુધવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા સિન્ડીકેટ મળશે
સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિમાં આજે વિડીયો કોન્ફરન્સ મારફતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસ્ટેટ કમીટીની બેઠક મળી હતી. જેમાં વર્ષ૨૦૧૮-૧૯ના તમામ પ્રોજેકટોને એસ્ટેટ કમીટી દ્વારા બહાલી આપી દેવામાં આવી છે અને આગામી બુધવારના રોજ સિન્ડીકેટની બહાલીની રાહ જોવાઈ રહી છે.
આજરોજ રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ શરૂ કરવા મંજૂરી મળી છે અને થોડા દિવસોમાં જ સિન્ડીકેટની બહાલી બાદ યુનિવર્સિટીના બાંધકામો પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે શરૂ કરવામાં આવશે.
યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે વિડીયો કોન્ફરન્સ મારફતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક મળી હતી. જેમાં કરોડો રૂપિયાના મોટા મોટા ૧૯ પ્રોજેકટોને શરૂ કરવા માટે વિધિવત રીતે દરખાસ્ત મુકાઈ હતી અને તમામ પ્રોજેકટોને એસ્ટેટની બહાલી આપી દેવામાં આવી છે. રૂા.૧ કરોડના ખર્ચે વુમન્સ યોગા હોલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. આ માટે સરકારે ૨૦૧૭માં ગ્રાન્ટ મંજૂર કરી હતી. આંકડા શાસ્ત્ર ભવનના સેમીનાર હોલમાં રૂા.૬.૨૨ લાખના ખર્ચે રિનોવેશન કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને એસ્ટેટે બહાલી આપી છે. તેમજ ન્યુ કમ્બાઈન્ડ લેબોરેટરી રૂા.૧૯ લાખના ખર્ચે બનાવવામાં આવશે. રૂા.૩.૨૫ કરોડના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. રૂા.૩.૪૫ કરોડના ખર્ચે નોનટીચીંગ સ્ટાફ કવાર્ટસના પ્રોજેકટ પણ એસ્ટેટ કમીટીએ બહાલી આપી છે. આ બન્ને પ્રોજેકટ ૨૦૧૯માં મંજૂર થયેલા છે અને આ માટે સરકારે પણ ગ્રાન્ટ ફાળવી છે.
વધુમાં તેઓએ જાણ કરી છે કે, કોમ્પ્યુટર સેન્ટરનું ૧ કરોડના ખર્ચે અપગ્રેડેશન કરવામાં આવશે. જર્નાલીઝમ એન્ડ માર્સ કોમ્યુનિકેશન ઓડિયો વિઝ્યુઅલ ઓડેટોરીયમ ૩-ડી પ્રેઝેન્ટેશન પ્રોજેકટ રાજ્ય સરકારે ૨૦૧૭-૧૮માં મંજૂર કર્યો હતો અને તે માટે ૬૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને આજે તે રકમ એસ્ટેટ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવી છે. લાઈબ્રેરી બિલ્ડીંગના કામ માટે ૨૦૧૮-૧૯માં ૭ કરોડનો પ્રોજેકટ મંજૂર કરાયો હતો. ૬ કરોડ રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે અને ૯૭ લાખ યુનિવર્સિટી ભોગવશે. આ ઉપરાંત અન્ય તમામ કામોને એસ્ટેટ કમીટીની બહાલી આપી દેવામાં આવી છે.
યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજરોજ એસ્ટેટ કમીટીની બેઠકમાં લગભગ તમામ પ્રોજેકટોને મંજૂરીની બહાલી આપી દેવામાં આવી છે. આગામી બુધવારના રોજ સિન્ડીકેટની બેઠક મળશે જેમાં આ ૧૯ કામોને મંજૂરીની મહોર લાગશે. આ ઉપરાંત આજે ફાયનાન્સ કમીટીની બેઠકમાં પણ સ્પોર્ટસ એક્ટિવીટીના રૂા.૪૪ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ શરૂ કરવા મંજૂરી આપી દેવામાં આવી છે અને થોડા જ દિવસોમાં પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે નિયમોનો ભંગ ન થાય તે રીતે ૧૮ કરોડના બાંધકામ શરૂ કરવામાં આવશે.