મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડના માધ્યમથી ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ નિહાળ્યું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રામ જન્મભૂમિ સ્થાને રામમંદિરના ભૂમિપૂજનથી રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની નેમ સાકાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. મુખ્યમંત્રીએ દેશની એકતા અખંડિતતા, સ્વાભિમાન, સંસ્કૃતિ પરંપરા અને માનબિંદૂઓની રક્ષા માટે આ રામમંદિર નિર્માણ આવનારા દિવસોમાં એક મહત્વપૂર્ણ પરિબળ બનશે એમ પણ ઉમેર્યુ છે. વિજયભાઇ રૂપાણીએ અયોધ્યામાં પ્રધાનમંત્રીના હસ્તે રામમંદિર ભૂમિપૂજનના અવસરને ર૧મી સદીના ઇતિહાસની સુવર્ણ અક્ષરે લખાનારી ઘટના ગણાવતાં ભારત માતા જગત જનની બને વિશ્વગુરૂ બને તે દિશામાં આપણે આગળ વધવાનું છે એમ પણ આ પ્રસંગની ખૂશી વ્યકત કરતાં જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી અયોધ્યા ખાતે પ્રધાનમંત્રીના હસ્તે થયેલું રામમંદિર ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ શ્રદ્ધાપૂર્વક નિહાળ્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પાંચ સૈકા પછી રામભક્તો માટે રામલલ્લાને એમના જન્મ સ્થાનમાં ભવ્યતા પૂર્વક પૂન: પ્રસ્થાપિત કરવાનો આ સ્વર્ણિમ અવસર છે. પાંચ શતાબ્દી-પાંચસો વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઇ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન રામના જન્મ સ્થળે અનેક વિવાદો બાદ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપીને રસ્તો સરળ કરી દેતા રામ મંદિર નિર્માણ થવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, સોગંદ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગેનો નારો આજે ચરિતાર્થ થાય છે. દેશભરમાં આજે દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે. ૧૪ વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યા પરત પઘાર્યા ત્યારે અવઘપૂરીમાં જે આનંદ ઓચ્છવ હતો તેવો જ ઉમંગ આજે સર્યું નદીના તીરે છલકે છે. આ સાથે સાથે સમગ્ર દેશમાં જન-જનમાં હૃદયમાં પણ છલકાઇ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાત અનેક કારસેવકો અને ગુજરાતીઓનું યોગદાન પહેલેથી જ અહેમ ભૂમિકામાં રહ્યું છે. આ રામ મંદિરના નિર્માણમાં જે સરળતાથી સુપ્રિમ કોર્ટમાં ચુકાદાથી આજે જે નિર્ણયથી, બધાના સર્વસમિતીથી, શાંતિથી, આનંદથી આ પર્વ અને આજનું ખાતમૂહુર્ત થઇ રહ્યું છે એ માટે સંપૂર્ણ યશના ભાગીદાર ગુજરાતના બે સપૂત નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ એ નિમિત બન્યા છે એમ તેમણે જણાવ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ૧૯૮૯ની ૧૬મી ઓગસ્ટે રક્ષાબંધના પવિત્ર તહેવારે રામ મંદિર માટેની પહેલ ઇંટનું પૂજન બી.એ.પી.એસ.ના વડા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. ત્યારબાદ દેશભરમાં સપ્ટેમ્બર-૧૯૮૯થી રામ મંદિરના નિર્માણની હજારો-લાખો ઇંટના પૂજનની શરૂઆત થઇ હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ૧૯૯૦ સપ્ટેમ્બર મહિનામાં શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણીજીએ રામ મંદિર નિર્માણની આહલેક સાથે જે દેશવ્યાપી રથયાત્રા શરૂ કરી તેનો પ્રારંભ પણ ગુજરાતના સોમનાથ ધામથી શરૂ થયેલી. આ સાથો-સાથ આપણા સૌના લોકપ્રિય અને સવાયા ગુજરાતી સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વની સરકારે રામ જન્મભૂમિના સ્થળે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની મુહિમ ચલાવી.
વિજયભાઇ રૂપાણી જણાવ્યું કે, સાચ કો આંચ નહીં, ભગવાન કે ઘર દેર હૈ, અંઘેર નહીં. ૯મી નવેમ્બર-૨૦૧૯ના દિવસે આ દેશની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ફેંસલો આપીને ૨.૭ એકર જમીન અયોધ્યામાં રામ મંદિર માટે ટ્રસ્ટને આપવાનો ચૂકાદો આપ્યો. માત્ર ૩ જ મહિનામાં એટલેકે ૫ મી ફેબ્રુઆરી એ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઇએ રામ જન્મભૂમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી. આજે ૬ જ મહિનામાં ૫મી ઓગસ્ટે તેમના જ હાથે ૪૦ કિલો ચાંદીની ઇંટ સાથે રામ લલ્લાના મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થવાનું છે.જે કહેવું તે કરવું કરની અને કથની બેય સમાન એ નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કેળવેલા આગવા સંસ્કાર છે એમ તેમણે જણાવ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે આ સંસ્કાર ઉજાગર કરીને રામ જન્મભૂમિ સ્થળે મંદિર નિર્માણની પ્રથમ ઇંટ મૂકાઇ રહી છે ત્યારે પુનિ દેખું અવધપુરી અતિ પાવની, ત્રિવિધ તાપ ભય રોગ નસાવની હિન્દુઓના મન મસ્તિષ્કમાં સાકાર થઇ રહ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું કે,જો ભારતમાં અને વિશ્વમાં કોરોનાની મહામારીનું સંકટ ના હોત તો આ શિલાન્યાસ ઉત્સવ વિશ્વનો સૌથી મોટો ઘાર્મિક મેળાવડો બન્યો હોત એમા કોઇ બે મત નથી. મુખ્યમંત્રીએ રામમંદિરનું નિર્માણ એક અને અખંડ ભારતના કરોડો હિન્દુઓનું સપનું સાકાર થવાનો અવસર છે એમ પણ જણાવ્યું હતું.