સાણંદ ખાતે શેલા ગામ તળાવના બ્યુટીફીકેશન અને નવીનીકરણના કાર્યોનું ખાતમૂહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે 12 જૂનના રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના વરદહસ્તે સાણંદ ખાતેના શેલા ગામ તળાવ ના બ્યુટીફીકેશન અને નવિનીકરણના કાર્યોનું ખાતમૂહુર્ત યોજાઈ ગયું હતું.
અમિતભાઈ શાહે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે તળાવના નવિનીકરણનો આ કાર્યક્રમ નાનો છે પરંતુ વર્ષો અને સૈકાઓ સુધી આ ક્ષેત્રને ફાયદો થાય તેવું આ કાર્ય છે. આ માટે તેઓએ શેલા ગામવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે ગુજરાતે ઘણા વર્ષો સુધી પાણીનું સંકટ જોયું, છેલ્લા 10 -12 વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દૂરંદેશી આયોજનથી પાણીના સંકટ ને દુર કરવાનું કાર્ય કર્યું. નર્મદાનું પાણી લાવવાનું હોય, ચેક ડેમો નું નિર્માણ, નર્મદાના પાણીથી તળાવો ભરવા, સૌની યોજનાથી તરસ્યા સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવું, ભૂગર્ભ જળ સંરક્ષણ જેવા અનેક પ્રયાસોના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને પાણીદાર બનાવ્યું છે. આ માટે મોદીજીએ સમાજ, સરકાર, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહ અને સ્વૈચ્છિક સંસ્થાઓને જોડીને ગુજરાતને લીલુંછમ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
શાહે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં સૌથી મોટી રુકાવટ પાણી હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેને સૌથી મોટી સંભાવના બનાવી છે. શેલા ગામતળાવનું આ પુન: નિર્માણ સૈકાઓ સુધી આ ક્ષેત્રના લોકો, પશુઓ, પક્ષીઓ માટે જીવાદોરી સમાન સાબિત થશે. ગુજરાતમાં પહેલાના જમાનામાં ઠેર ઠેર વાવો અને જળ સંચયના અનેક પ્રકલ્પની રચના કરવામાં આવતી હતી પરંતુ આપણે આ જળ સંચય બાબતે દુર્લક્ષ સેવ્યું. કર્મઠ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અથાગ પ્રયત્નો થકી નર્મદાનું પાણી ઉપલબ્ધ થયું.
5.45 સેક્ટરના આ તળાવમાં લેક ઝોન પબ્લિક પાર્ક જેવી અનેક સુવિધાઓ અને સાથે સાથે વૃક્ષોનું વાવેતર, સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ, ભૂગર્ભજળ રિચાર્જ, વનસ્પતિઓ અને પ્રાણીઓ તથા પક્ષીઓની પણ કાળજી લેવાય તે માટેની વ્યવસ્થા, મિયાવાકી પદ્ધતિથી નાનું સુંદર વનનું નિર્માણ થશે જેનાથી આ વિસ્તારનું તાપમાન નીચું રહેશે. ખેતરો માટે પ્રોસેસિંગ અને કલેક્શન ઝોન, પિકનિક સેન્ટર, રમત-ગમતના સાધનો મુકવામાં આવશે, બાળકો અને સિનિયર સિટીઝન માટેની વ્યવસ્થા અને ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવશે.
શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ભાજપા સરકાર દ્વારા લોક કલ્યાણ ના અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા ડેરીના સહયોગથી સાણંદ ક્ષેત્રમાં 4094 સગર્ભા માતાઓને દર પંદર દિવસે મગજના લાડુ આપવામાં આવે છે જેના લીધે માતા સાથે સાથે બાળકને પણ પોષણ મળી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ જે માતાઓના હીમોગ્લોબિનમાં ઘટાડો થતો હતો તેવા કિસ્સાઓમાં 54% ઘટાડો અને ઓછા વજનવાળા બાળકોના કિસ્સામાં 57%નો ટકાનો ઘટાડો થવા પામ્યો છે. આ કાર્યક્રમમાં યુ.પી. એલ.ના ચેરમેન પદ્મશ્રી રાજુભાઇ શ્રોફ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપા પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપા પ્રભારી વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપા અધ્યક્ષ હર્ષદભાઈ ગોસ્વામી, જિલ્લા અને તાલુકા ભાજપના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
- આત્મનિર્ભર ગામ વિના આત્મ નિર્ભર ભારત શકય નથી: કેન્દ્રીય ગૃહમંત્રી
- આણંદ ઈન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટના વાર્ષિક દિક્ષિત સમારોહમાં અમીતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ
લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં આણંદ ખાતે ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટનો 41 મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાઇ ગયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને શ્રી શાહના વરદ હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.
અમિતભાઈ શાહે તેમના દીક્ષાંત સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની વચ્ચે આવીને ખૂબ જ રોમાંચની અનુભૂતિ થઈ રહી છે તેઓએ કહ્યું આજે એ લોકોને દીક્ષા મળી રહી છે જે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા, ગ્રામીણ વિકાસને વેગ આપવા, ગ્રામીણ લોકોને દેશના વિકાસમાં સહભાગી બનાવવા પ્રયત્નશીલ બનશે. આ શિક્ષણ મેળવ્યા બાદ કોઈપણ વ્યવસાય કે જવાબદારી મળે પણ જીવનભર ગ્રામીણ વિકાસના ધ્યેય સાથે કાર્યરત રહેવા શાહે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
શાહે જણાવ્યું કે રૂપિયા પૈસા છીનવાઈ શકે પણ મેળવેલ જ્ઞાન કોઈ ન છીનવી શકે તેઓએ દીક્ષાંત વિદ્યાર્થીઓને ગરીબોના વિકાસ અને દેશની પ્રગતિમાં પોતાના યોગદાન થકી પોતાની સહભાગિતા સુનિશ્ચિત કરવા અને શિક્ષણના હેતુને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો.તેઓએ કહ્યું કે અબ્દુલ કલામજીએ ટાંક્યું છે કે ઉત્તમ દિમાગ ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચ પરથી જ મળી શકે, કોઈપણ વ્યક્તિ જન્મ થી નહિ પણ કર્મ થી જ મહાન બને છે.શાહે અંતમાં ઉપસ્થિત સૌને આત્મ નિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી વિદ્યાર્થીઓને તેમનાં ઉજ્જવલ ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ પાઠવી હતી.