કૃષિ મંત્રી આર.સી. ફળદુના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત
સુરેન્દ્રનગરના સાયલા ખાતે સાયલા સુદામડા પાળીયાદ રોડ તેમજ સાયલાથી મુળી સુધીના રૂપિયા ૭૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર માર્ગીય રસ્તાનું કૃષિ મંત્રી આર.સી.ફળદુના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વાહનોની સંખ્યા વધવાના કારણે તેમજ માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ના રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગ સુધારણા થકી રસ્તાઓ પહોળા કરવામાં આવી રહયાં છે, સાયલા સુદામડાનો આ રસ્તો ચાર માર્ગીય થવાથી અહીંના લોકો માટે વધુ સારી પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે.
વધુમાં તેમણે પ્રજાને વધુ સારી ભૌતિક સુવિધા ઉપલબ્ધ બનાવવાનું કાર્ય રાજય સરકાર કરી રહી છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે સારી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવાની સાથે દરેક માનવીને કામ મળી રહે તે દિશામાં કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે પુર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં નર્મદાના પાણી આ વિસ્તારમાં પહોંચવાથી હવે આ વિસ્તાર પછાત રહ્યો નથી, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લાના નાના-મોટા પ્રશ્નોનો સરકાર દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. હુડ્ડા, પ્રાંત અધિકારી આર. બી અંગારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ ધોળકીયા, અગ્રણીઓ સર્વ જગદીશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ સોરઠીયા, સુરેશભાઈ ધાંધલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.