આમ જનતા પોલીસના નામથી ડરે છે પોલીસ સ્ટેશનને જવું એ લોકો માટે ઘણું અણગમતું ગણાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદના ડીવાયએસપી જે.બી.ગઢવી એ પુરવાર કરી બતાવ્યું છે કે પોલીસ પણ માનવ સમાજમાંથી જ આવે છે અને તેનામાં પણ સંવેદનાઓ હોય છે લાગણીઓનો ઉછાળ હોય છે.
કેશોદ ડીવાયએસપી કચેરી ખાતે આજે નાગરિકો પોતાના બાળકોને લઈને કુદરતી આહલાદકનો અનુભવ કરવા આવે છે એ વાત ઇતિહાસમાં મોટી નોંધનીય બાબત બની છે.
વસુદેવ કુટુંમ્બક ભાવનાને વરેલા ગઢવીએ ન્યાયના રક્ષણની સાથે સેવા – સમર્પણ અને ત્યાગની ભાવનાને યથાર્થ કરી છે. આ અધિકારીએ મુખ્ય રસ્તા અને કચેરી આસપાસની ખરાબાની જગ્યામાં માટીપુરાણ કરાવી રેઢીયાળ ઢોર -ગાયો – ધણખુંટો માટે લોખંડના પાઈપથી ઢાળીયા જેવો શેડ બનાવી તેમાં રેઢીયાળ ઢોર માટે ઘાસચારા પાણીની વ્યવસ્થા કરી ટ્રાફિકને નિયંત્રણને સુગમ બનાવ્યું છે.
પક્ષીઓના નિભાવ કાજે અને પ્રજનન ઉછેર માટે વિવિધ માળાઓ બનાવડાવી લટકાવ્યા છે તેમાં ચકલીઓ, બુલબુલ, કાળીકોશ, લેલાડા વગેરે જેવા પંખીઓને આશરો મળી રહે છે તેમના માટે ચણ તથા પીવાના પાણીના કુંડાની પણ વ્યવસ્થા કરીને પ્રાકૃતિક વાતાવરણ સર્જ્યું છે.આ સિવાય પ્રકૃતિના દર્શન માટે વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કર્યું છે અને વૃક્ષોના વિકાસ થાય તે માટે ખાતર કચેરી ખાતે જ બનાવી વૃક્ષોને અપાઇ રહ્યું છે વૃક્ષોને જરૂરિયાત પ્રમાણે આ અધિકારી પાણીનું સિંચન પણ કરી રહ્યા છે. આ બાગમાં 400 જેટલા ગુલાબો, આસોપાલવ, ગલગોટા તથા અન્ય ફૂલ છોડ જેવા કે મધુમાલતી, ચંપો, જાસુદ વગેરેને વાવીને તેને વિકસાવાઇ રહ્યા છે.આ અધિકારી જાણે કે ચોથો વેદ જેવા છે આમેય ચારણને ચોથો વેદ કહેવાય છે જે આ અધિકારીએ પુરવાર કરી બતાવ્યું છે.