- શહેરમાં 11 ચેક ડેમ અને 100 બોર રિચાર્જ કરીને પાણીની સમસ્યા હલ કરી: સંસ્થા દ્વારા 11111 ચેક ડેમ બનાવવાનો સંકલ્પ: દાતાઓને સહયોગ આપવા અપીલ
જળ એ જ જીવન છે, ત્યારે આજના યુગમાં પાણી બચાવીને વાપરવાની જાગૃતિ લાવવાની તાતી જરૂરીયાત છે. દર વર્ષે ચોમાસામાં એવરેજ 40 ઇંચ વરસાદ પડે છે, તે પૈકી 80 ટકા પાણી દરિયામાં વહી જાય છે. ઘણા વર્ષોથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ખેડુત અને ખેતી વિષયક જાગૃતિ કાર્યક્રમો કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી બોર રિચાર્જ અને ચેક ડેમનું નિર્માણ કર્યા સક્રિય રીતે કરતાં પાણીની સમસ્યા પરત્વે સુંદર કાર્ય થઇ રહ્યું છે. લોક ભાગીદારી અને દાતાના સહયોગથી માત્ર બે વર્ષમાં 200 જેટલા ચેક ડેમ નિર્માણ કરીને અનોખો સેવા યજ્ઞ કરેલ છે.
સંસ્થા પાસે હાલ સૌરાષ્ટ્રભરમાંથી ત્રણ હજાર ચેક ડેમો નિર્માણ કરવાની ડિમાન્ડ આવી છે. સંસ્થાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે દાતા ગોતવામાં વાર લાગતી હોવાથી જવા ડેમો નિર્માણ કરવામાં મુશ્કેલી પડે છે. સંસ્થાનો ઘ્યેય વરસાદનું એક ટીપુ પાણી દરિયામાં ન જાય તેવો પ્રયાસ અને કાર્યો હોય છે. સૌરાષ્ટ્રના ખેડુતોએ પણ પોતાની જગ્યામાં કુવા રિચાર્જ, બોર રિચાર્જ અને ખેતતલાવડી બનાવવા જોઇએ.
રાજકોટમાં 11 ચેક ડેમો અને 100 બોર રિચાર્જ સંસ્થાએ કરેલ છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઇ સખીયા, જમનભાઇ ડેકોરા (બિલ્ડર), પ્રતાપભાઇ ટર્બો બેરીંગ, રમેશભાઇ ઠકકર, વિરાભાઇ હુંબલ, સતિષભાઇ બેરા, અમુભાઇ ભારદીયા અને ધીરુભાઇ રોકડ સહિતના મહત્વનું આયોજન સંભાળી રહ્યા છે. સંસ્થા દ્વારા લોક ભાગીદારીથી થતી મહામૂલી સેવામાં દાતાઓને સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
દરેક ઘરમાં બોર બનાવવામાં આવે તો પાણીની સમસ્યા જ હલ થઇ જાય: રમેશભાઈ ઠકકર
‘અબતક’ સાથેની વાતચીતમાં રમેશ ઠકકરે જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવારના 11,111 ચેકડેમ બનાવાના સંકલ્પ અનુસાર ર00 ચેકડેમોનું કાર્ય પુર્ણ કર્યુ છે, જેનો અમોને અનહદ આનંદ છે. જેમાં 7 વિશાળ તળાવો બનાવ્યા છે જે ખુબ જ ઉપયોગી નીવડશે. ત્યારે સૌ કોઇ પાણી રીર્ચાજીંગ કાર્યમાં જોડાઇ અને દરેક ઘરમાં બોર બનાવવામાં આવે અને પાણીના મહત્વ વિશે સૌ કોઇ સમજે એવી અપીલ છે.
પાણી બનાવી નથી શકાતું પરંતુ બચાવી તો શકાય જ: દિલીપભાઈ સખીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં સખીયાએ જણાવ્યું હતું કે, હું એક ખેડુતનો દીકરો છું, ત્યારે જળનું મહત્વ આપણાં જીવનમાં ખુબ જ છે. મારે ર00 ગાયો છે જયારે સારા વરસાદ પડે ત્યારે ઘાસચારો મફત મળી રહેતો પરંતુ જયારે વરસાદ નથી પડતો ત્યારે વહેંચાતો ઘાસચારો લેવો પડે છે. તો આપણે સમજી શકીયે કે વરસાદના પાણીનું કેટલું મહત્વ છે. પાણી કયાંય બનાવી નથી શકાતું પણ બચાવી શકાય છે. પરંતુ વરસાદનું 80 ટકા પાણી દરીયામાં જતુ રહે છે. સૌરાષ્ટ્રની ભુમિમાં ભૂતકાળમાં જયારે 200 થી 300 ફુટએ પાણી હતું જે આજે ર000 થી 3000 પણ નથી. તેથી એવું લાગી રહ્યું છે. લગભગ ત્રીજુ વિશ્ર્વ યુઘ્ધ પાણી માટે થશે.સૌરાષ્ટ્રના 594 ગામોની મુલાકાત કરી પરંતુ સામાન્ય પ્રશ્ર્ની ‘પાણી’ની તંગીનો જ હતો. તેથી અમે સંકલ્પ લીધો અને પાણીના રિર્ચાજીંગ માટે ચેકડેમ તળાવો બંધાવવાનું શરુ કર્યુ. સરકાર જ આવી કામગીરી કરી શકે એવું નથી એ માટે બે વર્ષથી અમે કાર્યરત છીએ. પ્રિયજનોના જન્મ દિવસે લગ્નતીથીએ પાણી રિર્ચાજીંગ માટેનો ઉમદા સંકલ્પ અને પ્રકૃતિના ઉપભોકતા તરીકે તેનું ઋણ ચુકવવા ચેકડેમ, બોર તળાવોમાં પાણી સંગ્રહ કરીશું એ મોક્ષ સમાન મળી રહેશે.