ભુજના મદદનીશ કલેકટર અને મુખ્ય કારોબારી અધિકારી ગુરવાની દ્વારા ખારસરા મેદાન પાછળ કરાયેલા બિનધિકૃત બાંધકામ તોડી પાડી તાકીદ કરાઇ
ભુજમાં ભાડા વિસ્તારમાં પરવાનગીના નિયમો વિરુઘ્ધનું બાંધકામ સાંખી નહી લેવાય તેવી મદદનીશ કલેકટર તથા મુખ્ય કારોબારી અધિકારી મનીષ ગુરવાનીએ તાકિદ કરી હતી.
ભુજ શહેરના ખારસરા મેદાનની પાછળના ભાગમાં મહેરૂમ પાર્કની સામે આવેલ નવી મુશ્લીમ એજ્યુકેશન સ્કુલ ચોકડીને અડીને આવેલ ખાનગી જમીન પર 1300ચો. ફુટ.જેટલું બિનધિકૃત બાંધકામ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આજ રોજ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે. સરકાર દ્વારા અમલી બાંધકામના નિયમોને નેવે મુકી વિના કોઈ બાંધકામ પરવાનગીએ બાંધકામ થેયેલ છે તેવું ફલિત થતાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અને કલેક્ટર-કચ્છના માર્ગદર્શન હેઠળ મુખ્ય કારોબારી અધિકારી અને મદદનીશ કલેક્ટર-ભુજ દ્વારા નિર્દેશ થઈ આવતાં ખાનગી વ્યકિતઓ દ્વારા બનાવેલ પાંચ બિનધિકૃત દુકાનો નિયમાનુસાર તોડી દૂર કરવામાં આવેલ છે. ભાડાના અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડી દ્વારા પોલીસના સહકાર સાથે સમગ્ર કાર્યવાહી કરવામાં આવેલ. આ સાથે મદદનીશ કલેક્ટર-ભુજ અને મુખ્ય કારોબારી અધિકારી મનીષ ગુરવાની દ્વારા જણાવાયું હતું કે ભાડા વિસ્તારમાં બાંધકામ પરવાનગીના નિયમો વિરૂધ્ધ કોઈપણ બાંધકામ સાંખી લેવામાં આવશે નહીં.
આ પ્રકારના બિનધિકૃત બાંધકામો અને વ્યકિતઓ વિરૂધ્ધ નિયમાનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડ્યે સરકારના લેન્ડ ગ્રેબીંગ કાયદા સહીતની નીતિની જોગવાઈઓ ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવશે. પરવાનગી મેળવ્યા બાદ જ મંજૂર થયેલ નક્શા અને ઉપયોગને સુસંગત બાંધકામ કરવા ગુરવાનીએ અપીલ કરી હતી.