જય ભીમના નાદ સાથે કાલે ગામે-ગામ નિકળશે ભવ્ય શોભાયાત્રા: દલિતોમાં દિવાળી જેવો માહોલ
ભારત રત્ન અને દેશનું બંધારણ ઘડનાર એવા ડો.ભીમરાવ આંબેડકરની કાલે ૧૨૮મી જન્મજયંતી છે. બાબા સાહેબ એક અર્થશાસ્ત્રી, રાજનિતીજ્ઞ અને સમાજ સુધારક હતા. જેઓએ દલિત બૌદ્ધ આંદોલન ચલાવી અછુતો (દલિતો) સામે સામાજીક ભેદભાવ વિરુઘ્ધ અભિયાન ચલાવ્યું હતું. સ્વતંત્ર ભારતનાં ન્યાયમંત્રી, ભારતીય સંવિધાનના જનક અને ભારત ગણરાજયનાં નિર્માતા એવા ડો.આંબેડકરની જન્મજયંતીની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થશે. દલિતોના આદર્શ એવા ડો.બાબાસાહેબની જન્મજયંતીને સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ડો.બાબાસાહેબ આંબેડકરની પહેલી જયંતી સદાશિવ રણપીસયે ઉજવી હતી ત્યારબાદ બાબાસાહેબની જયંતી ઉજવવાની પ્રથા શરૂ થઈ અને નાના-મોટા શહેરોમાં દેશપ્રેમીઓ ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલી આપશે. ખાસ કરીને દલિત સમાજ જય ભીમના નારા સાથે અને એક સમરસતાનો સંદેશો આપવા વિવિધ કાર્યક્રમ યોજશે. અનેક રાજકીય સામાજીક સંસ્થાઓમાં બાબાસાહેબની જન્મજયંતી શાનદાર રીતે ઉજવવામાં આવશે. સૌના માનીતા અને રાજનીતિના તજજ્ઞ એવા ડો.બાબાસાહેબ આંબેડકરની કાલે ૧૨૮મી જન્મજયંતી ઉજવી દેશપ્રેમીઓ ગૌરવની લાગણી અનુભવશે.