ભારતમા કપાસની નિકાસ 19 વર્ષના તળિયે : અનેક કારણો જવાબદાર
સતત બદલાતા વાતાવરણ અને પરંપરાગત ખેતી પદ્ધતિની અમલવારી થઈ હોવાના કારણે વાઈટ ગોલ્ડ ઉપર જોખમ વધ્યું છે. આ તમામ પરિબળોને ધ્યાને લઇ કપાસનો નિકાસ 19 વર્ષના તળિયે આવી ગયો છે. વિકાસ ઘટવા પાછળ ના અનેક કારણો સામે આવ્યા છે જેમાં પ્રથમ તો એ છે કે વાતાવરણમાં સતત બદલાવ તથા જે જુના બિયારણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેનાથી તેની ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં 80 લાખથી વધુ ખેડૂતો કપાસની ખેતી સાથે સંકળાયેલા છે. આ વર્ષે સીઝનની શરૂઆતમાં કમોસમી વરસાદના કારણે કપાસના પાકને નુકસાન થયું હતું. આના કારણે આ વર્ષે મોટી કૃષિ કટોકટી સર્જાઈ છે. ભારત દેશમાં કપાસનું કુલ ઉત્પાદન પૈકી 33 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. પહેલા બીજા દેશમાં કપાસની નિકાસ થતી હતી જયારે આજે તે દેશો પોતે કપાસનું વાવેતર કરી રહયા છે. આથી નિકાસ ઘટી ગઇ છે. પહેલા આપણે સીહોટો અને વાગડ જેવા કપાસનું વધુ વાવેતર થતે જેના તાર લાંબા નિકળતા હતા. આથી આપણા કપાસની માંગ રહેતી હતી. યાંત્રીક ખેતી થતા ડિઝલના વધેલા ભાવ,ખાતરના ભાવ અને મજુરીને કારણે કપાસના ઉત્પાદનનો ખર્ચ વધી જાય છે.બહારના રાજયો માંથી આવતા મજુરો ઉધોગો તરફ વળ્યા છે. આથી કામ માટે માણશો મળતા નથી.અત્યારે કપાસના જે ભાવ છે તે ખેડૂતોને પોસાય તેમ નથી.
સરકારે કપાસના નિકાસ અને તેના ઉત્પદાન માટે યોગ્ય નીતિ ઘડવી પડશે : સમીરભાઈ શાહ
ખાદ્યતેલ ક્ષેત્રે સંકળાયેલા સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે સરકારે કપાસના નિકાસ અને ઉત્પાદન માટે યોગ્ય નીતિ ઘડવી પડશે. હાલ સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે કપાસના નિકાસ માટે યોગ્ય રીતે જે વ્યવસ્થા ઊભી થવી જોઈએ તે થઈ શકી નથી અને બીજી તરફ સતત વાતાવરણમાં બદલાવ આવતા હોવાના કારણે જરૂરિયાત મુજબનો વરસાદ ખૂબ ઓછા સમયમાં જ થઈ જતા ઘણી તકલીફનો સામનો ખેડૂતોએ કરવો પડે છે. બીજી તરફ વિદેશની સરખામણીમાં અહીં જમીન ટુકડામાં થઈ ગઈ હોવાથી જે મહત્તમ ઉત્પાદન મળવું જોઈએ તે મળી શકતું નથી. સામે પરંપરાગત ખેતી હોવાના કારણે યોગ્ય ઉપજ મળતી નથી ત્યારે ખેડૂતો જો આધુનિક ખેતી તરફ આગળ આવે તો કપાસ ખરા અર્થમાં વાઈટ ગોલ્ડ સાબિત થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે યોગ્ય નીતિની અમલવારી કરવી જોઈએ જેથી નિકાસમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન ન ઉદ્ભવે અને સહજતાથી નિકાસ શક્ય બને .
ગુણવત્તા મુજબનું માર્કેટિંગ ન થતા નિકાસમાં ઘટાડો : કલ્પેશભાઈ શેઠ
કોમોડિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા કલ્પેશભાઈ શેઠે જણાવ્યું હતું કે કપાસ માટે જે રીતે ગુણવત્તા મુજબનું માર્કેટીંગ થવું જોઈએ તે થતું ન હોવાના કારણે નિકાસમાં ઘટાડો નોંધાયો છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે કપાસ પડતરથી જ્યારે નીચે આવે ત્યારે તેના ભાવ અને માંગમાં મહદંશે ઘટાડો થતો હોય છે સાચો સાથ કમોસમી વરસાદના પગલે પણ કપાસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગુલાબી ઈયળ નો ઉપદ્રવ કપાસમાં જોવા મળતા ઉત્પાદનમાં ઘણાખરા અંશે ઘટાડો નોંધાયો છે અને પરિણામે જે તેની ઇલ્ડ એટલે કે ઉપજ હોવી જોઈએ તે મળી શકતી નથી. બીજી તરફ હાલ કપાસ ઉત્પાદનમાં જે જુના બિયારણો વાપરવામાં આવી રહ્યા છે તેનાથી જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો આવ્યો છે ત્યારે જુનાગઢ યુનિવર્સિટી
જેવી સંસ્થાએ કપાસ માટે ઘણું સંશોધન કરવું જરૂરી છે. ચાઇના તરફ લોકોનો આકર્ષણ ઘટ્યું છે અને ભારત તરફનું ભરોસો પણ સામે એટલો જ વધ્યો છે ત્યારે ખરા અર્થમાં જો ભારત યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી કપાસનો ઉત્પાદન કરશે તો તેનો ફાયદો ખરાબમાં દેશ અને ખેડૂતોને પણ થશે. સરકારે કપાસને લઈને યોગ્ય નીતિ નિયમો અને યોજનાઓનું પણ ઘડતર કરવું જોઈએ.