- પોલીસબેડામાં બદલીની મોસમ વધુ ખીલશે પણ હજુ થોડો સમય ‘વેઇટ એન્ડ વોચ’ જેવો ઘાટ
Rajkot News
લોકસભા ચૂંટણી પૂર્વે તમામ સરકારી વિભાગોની જેમ પોલીસ બેડામાં બદલીની મોસમ ખીલી છે. રાજ્યના 232 પીઆઈ અને 594 પીએસઆઈની બદલી બાદ હજી અઢળક આઈપીએસ અધિકારીઓની બદલીની ઘડી ગણાઈ રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે ’ગમતી’ અને ’મહત્વ’ની જગ્યાઓ પર ગોઠવાઈ જવા કોન્સ્ટેબલથી માંડી પીઆઈ સુધીના અધિકારી-કર્મચારીઓ એડીચોંટીનું જોર લગાવી રહયાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હાલ પોલીસ કમિશ્નર તાત્કાલિક ટ્રાન્સફર નહિ કરવાના મૂડમાં હોય તેવું પણ જાણકારો કહી રહ્યા છે.
પોલીસ બેડાની હિલચાલથી ભલીભાતી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી માથે હોય ત્યારે શહેર પોલીસ બેડામાં પણ ધરખમ ફેરફારો આવી શકે છે. કોન્સ્ટેબલથી માંડીને પી.આઈ. સહિતના અધિકારીઓની આંતરિક બદલી આવી શકે છે. ત્યારે આ માહિતી મળતાની સાથે જ અધિકારી-કર્મચારીઓ પોતાની ગમતી જગ્યાઓ પર બદલી માટે મથી રહયાના અહેવાલો મળી રહ્યા છે.
શહેર પોલીસમાં ફરજ બજાવતા થોકબંધ પોલીસ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલોએ પોતાના ગમતા પોસ્ટ-પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી માટે અરજી સ્વરૂપે પોલીસ કમિશ્નર સમક્ષ ગુહાર લગાવ્યાની ચર્ચા હાલ પોલીસની ગલિયારીઓમાં વાયુવેગે પ્રસરી રહી છે. તેમાં પણ ખાસ તો શહેરના છેવાડાના પોલીસ મઠકો બદલી માટે હોત ફેવરિટ માનવામાં આવે છે. જયારે શહેરની વચ્ચોવચ આવેલા પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત સહીતની કામગીરીઓને લઇ કોઈ જવા તૈયાર ન હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.
ઉપરાંત શહેરના 5 જેટલાં પીઆઈની બદલી કરવામાં આવી છે. જેના લીધે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહીતની મહત્વની શાખાઓમાં ’સેનાપતિ’ની પોસ્ટ ખાલી થઇ ગઈ છે. ત્યારે આ શાખાઓના ’સેનાપતિ’ તરીકે કોને નિયુક્તિ આપવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય છે. આ બંને પોસ્ટ પર નવા આવનાર અધિકારીઓને મુકવામાં આવશે કે પછી શહેરની નાળ પારખનાર અને અગાઉથી અહીંયા હાજર અધિકારીઓને હવાલો આપવામાં આવશે તે ચર્ચા પણ ખુબ જોરોશોરોથી ચાલી રહી છે.
આઈપીએસ અધિકારીઓના બદલી માટે જોવાતી રાહ : 25 જેટલાં ઉચ્ચ અધિકારીઓની થઇ શકે છે બદલી
લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્ય પોલીસ બેડાના 25થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થનારી છે. જેમાં સુરત પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંઘ ગેહલોત, વડોદરા પોલીસ કમિશ્નર તરીકે હાલના જેલ વડા ડો. કે.એલ.એન. રાવ અને નર્સિંમ્હા કોમારના નામ સૌથી વધુ ચર્ચામાં છે. ઉપરાંત પ્રેમવીરસિંઘ, શરદ સિંઘલ, ચિરાગ કોટડીયા, ચૈતન્ય મંડલીક અને રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની પણ બદલી કરવામાં આવે તેવી ચર્ચા છે.