- રાજકોટ રૂરલ એલસીબી ટીમને નડ્યો અકસ્માત
- ખાનગી વાહન લઇ સુરત તપાસ અર્થે ગયાં’તા : ત્રણ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત
રાજકોટ રૂરલ એલસીબીના ચાર જવાનોને અંકલેશ્વર નજીક અકસ્માત નડ્યો છે. ખાનગી વાહનમાં સુરત તરફ તપાસ માટે જતાં સુરત ગ્રામ્ય અને ભરૂચના માંગરોળ વચ્ચે ટ્રકએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રૂરલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું કરુણ મોત નીપજ્યું છે. જયારે ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ચારેક દિવસ પૂર્વે રાજકોટ રૂરલ એલસીબી ટીમના ચાર જવાનો દિગ્વિજયસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા અને દિવ્યેશભાઈ સુવા ખાનગી વાહનમાં સુરત તરફ ગયાં હતા. તપાસ પૂર્ણ કરીને તેઓ આજે વહેલી સવારે રાજકોટ તરફ આવવા રવાના થયાં હતા.
દરમિયાન સુરત ગ્રામ્ય અને ભરૂચ જિલ્લાના માંગરોળ વચ્ચે અંકલેશ્વર નજીક એક ટ્રકે પોલીસ જવાનોની કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પોલીસ જવાનોની ખાનગી કારનો કચ્ચરઘાણ સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં સર્જાતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા ઈજાગ્રસ્ત થયાં હતા. જે ત્રણેય જવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં એલસીબી પીઆઈ સહિતના ઘટનાસ્થળે જવા રવાના
આજે વહેલી સવારે એલસીબી જવાનોની ખાનગી કારને અકસ્માત નડ્યાની જાણ થતાં પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દરમિયાન બનાવની જાણ થતાંની સાથે જ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા સહીતની ટીમો અંકલેશ્વર જવા રવાના થઇ ગઈ હતી.
આરોપીનું પગેરૂ મળતા ત્રણેક દિવસ પૂર્વે ટીમ સુરત જવા રવાના થઇ’તી
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એક ગુનાના આરોપીનું પગેરું સુરત તરફ મળી આવતા ત્રણેક દિવસ પૂર્વે ચારેય હેડ કોન્સ્ટેબલ ખાનગી વાહન લઈને સુરત તરફ જવા રવાના થયાં હતા. સુરત ખાતે પોલીસ ટીમને સફળતા મળી કે કેમ તે અંગે કોઈ જ વિગતો સામે આવી નથી પણ આ દુ:ખદ ઘટનાથી પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો છે.