- વાહન ડિટેઇન કરવા બાબતે ચડભળ થયાં બાદ ફોજદારે ગાળો ભાંડતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા
- મામલો પોલીસ મથકે પહોંચતા આઈપીએસ અધિકારીએ દોડી જવું પડ્યું
શહેર પોલીસમાં એક ચકચાર જગાડે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વાહન ચેકીંગ દરમિયાન એક પીએસઆઈ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વચ્ચે રકઝક, ચડભડ થયાં બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ પીએસઆઈએ ગાળો ભાંડતા કોન્સ્ટેબલે જાહેરમાં ફડાકા અને લાત મારી દેતા રાહદારીઓ પણ સ્તબ્ધ થઇ ગયાં હતા. સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચી જતાં ઉચ્ચ અધિકારીઓ સુધી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જે બાદ આઈપીએસ અધિકારી પોલીસ મથકે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
રાજકોટ શહેર પોલીસ એક બાદ એક વિવાદમાં સંપડાઈ રહી છે. તાજેતરમાં જ અલગ અલગ બે પોલીસ મથકમાં થયેલા તોડકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યારે પોલીસ ખાતાને લાંછન લાગે તેવી ઘટના બનવા પામી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર શહેર પોલીસમાં ફરજ બજાવતા એક પીએસઆઈ માયાણી ચોક નજીક વાહન ચેકીંગ સહીતની કાર્યવાહી કરી રહ્યા હતા. દરમિયાન એક નંબર પ્લેટ વિનાની અને કાળા કાંચવાળી અર્ટિગા કાર પસાર થતાં પીએસઆઈની ટીમે કારને અટકાવી હતી. જે કારમાંથી ચાલક નીચે ઉતર્યો હતો.
કારમાં નંબર પ્લેટનો અભાવ તેમજ કાળા કાચ હોવાથી ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન થતો હોય દંડનીય કાર્યવાહીની વાત શરૂ થઇ હતી. દરમિયાન પીએસઆઈ સમક્ષ ગયેલા ચાલકે પોતાની ઓળખ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ તરીકે આપી હતી પણ પીએસઆઈએ કોન્સ્ટેબલને મચક નહિ આપી દંડ તો ભરવો જ પડશે તેવું જણાવ્યું હતું. જે બાદ કોન્સ્ટેબલ અને પીએસઆઈ વચ્ચે દંડ બાબતે સહેજ રકઝક થતાં અંતે કોન્સ્ટેબલે દંડ ભરવાની તૈયારી બતાવી હતી પણ હવે દંડ નહિ પરંતુ વાહન ડિટેઇન જ કરવું પડશે તેવું પીએસઆઈએ જણાવ્યું હતું. જે બાદ બંને વચ્ચે વધુ રકઝક થતાં પીએસઆઈએ કોન્સ્ટેબલને માં-બહેનની ગાળો આપતા ઉશ્કેરાયેલા કોન્સ્ટેબલે પીએસઆઈને લાફો ઝીંકી લાત મારી દીધી હતી. યુનિફોર્મમાં રહેલા પીએસઆઈ સાથે બનેલી આ ઘટનાથી રાહદારીઓ પણ સ્તબ્ધ થઇ ગયાં હતા.
જે બાદ ફરજ પર સાથે હાજર પોલીસકર્મીઓ અને ટ્રાફિક વોર્ડન વચ્ચે પડતા મોટી ઘટના બનતા સહેજથી અટકી ગઈ હતી. જે બાદ સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને તાત્કાલિક આ બાબતે લાગત આઈપીએસ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ અધિકારી પોલીસ મથકે દોડી આવ્યા હતા. બાદમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે માફમાફી થઇ હતી અને અંતે અર્ટિગા કાર ડિટેઇન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ પોલીસ બેડામાં આ ઘટનાની કાન ફાડી નાંખે તેવી ચર્ચાઓ થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવે તો સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી શકે છે. આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર પીએસઆઈ મહિલા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
છ વર્ષ પૂર્વે ઇન્દિરા સર્કલ નજીક થયેલી હત્યાનો આરોપી કોન્સ્ટેબલ તાજેતરમાં જ છૂટ્યો’તો
પીએસઆઈએ જે શખ્સની કાર રોકી હતી તેના વિશે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અગાઉ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાત્રીના સમયે ઇન્દિરા સર્કલ નજીક મિત્રો સાથે હાજર હતો ત્યારે સામું જોવા જેવી બાબતે કુલદીપ નામના યુવક સાથે બોલાચાલી થતાં કોન્સ્ટેબલ સહિતના સાત શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી દીધી હતી. જે કેસમાં બે કોન્સ્ટેબલ સહીતની ધરપકડ કરવામાં આવી હતી.
પીએસઆઈની પણ એક વિવાદિત ઓડિયો ક્લીપ થઇ’તી વાયરલ
જે પીએસઆઈને કાર ચાલક કોન્સ્ટેબલ સાથે બબાલ થઇ હતી તેમની થોડા માસ પૂર્વે જ એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. જેમાં પીએસઆઈ કોઈ ગુનામાં પૈસાની માંગણી કરતા હોય તેવું સંભળાયું હતું. જો કે, આ મામલો પુરવાર થયો ન હતો પણ પીએસઆઈને ડિવિઝનમાંથી બદલાવી નાખવામાં આવ્યા હતા. આ બદલી શિક્ષાત્મક કાર્યવાહીને પગલે જ થઇ હતી તેવું પોલીસમાં ચર્ચાઈ રહ્યું હતું. હતી.